કાબુલ-
અફઘાનિસ્તાનમાં સરકાર સાથે શાંતિનો સોદો હોવા છતાં તાલિબાનોનો આતંક બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તાલિબાન આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનમાં કામ કરતી એક 33 વર્ષીય મહિલાની આંખમાં છરી મારી તેને આંખ ફોડી નાખી હતી અને તેને ગોળી પણ મારી હતી. જો કે, આસપાસના લોકોની મદદથી સમયસર હોસ્પિટલમાં પહોંચતા મહિલાનો જીવ બચી ગયો છે.
અહેવાલ મુજબ, 33 વર્ષીય ખટેરા ગઝની પ્રાંતના એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. તેણીને ત્રણ મહિના પહેલા ગઝની પોલીસની ક્રાઈમ બ્રાંચમાં ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે હુમલો થયા પછી રોયટર્સને કહ્યું હતું કે ઓછામાં ઓછી એક વર્ષ પોલીસ નોકરી કર્યા બાદ મારા પર હુમલો કરવામાં આવ્યો હોત તો પણ મને આટલું બધું દુ:ખ ન થયું હોત. આ બધુ ખૂબ જ જલ્દી થઇ ગયું હતું. મારું સ્વપ્ન જીવવા અને પોલીસ તરીકે કામ કરવા માટે મને ફક્ત ત્રણ મહિનાનો સમય મળ્યો છે.
તાજેતરનાં મહિનાઓમાં તાલિબાનોએ કહ્યું છે કે તેઓ શરિયા કાયદા હેઠળ મહિલાઓના અધિકારીનું આદર કરશે. પરંતુ, ઘણી શિક્ષિત મહિલાઓ કહે છે કે તેઓ તાલિબાનના વચન પર શંકા કરે છે. બળવાખોર જૂથે ઓળખકાર્ડમાં માતાના નામ ઉમેરવા સુધારાનો વિરોધ કર્યો છે. આ સાબિત કરે છે કે તેઓ મહિલાઓના અધિકાર માટેના તેમના વચન સામે કામ કરી રહ્યા છે.
મહિલાનો આરોપ છે કે તેના પિતા નોકરીની વિરુદ્ધ છે. તેણે કહ્યું કે જ્યારે હું ડ્યુટી પર જતી હતી ત્યારે મારા પિતા ઘણી વખત મારી પાછળ આવતા. તેણે નજીકના વિસ્તારમાં તાલિબાનનો સંપર્ક કર્યો અને મને મારી નોકરી પર જવાનું બંધ કરવા કહ્યું. પિતાએ તેની પુત્રીની પોલીસ જોબ આઈડી કાર્ડની ફોટોકોપી પણ તાલિબાનને આપી હતી.
ગઝની પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલા પાછળ તાલિબાનનો હાથ હતો. ષડયંત્રના આરોપસર ખટેરાના પિતાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તે જ સમયે, આ હુમલામાં તાલિબાનનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે તે આ મામલાની જાણ છે, પરંતુ તે એક પારિવારિક મામલો છે અને તે તેમાં સામેલ નથી.