આપણે ગુજરાતીઓ તો ખાવા-પીવાના ખૂબ જ શોખીન હોઈએ. આપણને ગુજરાતની લગભગ દરેક જગ્યાની કઈંક ને કઈંક ફેમસ વાનગી મળી જ રહેતી હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છે સુરતથી ફક્ત 18 કિમી આવેલા ડુમ્મસનાં ફેમસ ટામેટા ભજીયાંની રેસીપિ. ચોમાસામાં તો ડુમ્મસ ઘણા લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે. ત્યારે તમે તો આજે જ તેને ઘરે બનાવીને તેનો સ્વાદ માણી શકો છો. તો નોંધી લો આ તીખાં તમતમતા ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા બનાવવા માટેની રેસીપિ.
સામગ્રી:
2 કડક ટામેટાં
,1 ઝૂડી કોથમીર ,2 લીલા મરચાં ,1 વાડકી ચણાનો લોટ,,મીઠું સ્વાદ અનુસાર ,ચપટી હળદર ,1 નાની ચમચી સૂકા ધાણાં ,4-5 નંગ મરી ,1 ચમચી ચાટ મસાલો ,તળવા માટે તેલ
બનાવવાની રીત:
કોથમીર અને મરચાંને સરખી રીતે ધોઇને મિક્સર જારમાં લો. તેમાં સહેજ મીઠું અને લીંબુ નાખીને બરાબર વાટીને ચટણી બનાવી લો. અંદર પાણી ઉમેરવાનું નથી. ત્યારબાદ મરી અને સૂકા ધાણા લઈ અધકચરા ખાંડી લો. ત્યારબાદ ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બાકીના મસાલા, મરી અને સૂકા ધાણા મિક્સ કરી પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. (ખીરું સામાન્ય ભજીયાના ખીરા કરતાં ઘટ્ટ રાખવું.) પછી તેમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. સોડા ઉમેરવાનો નથી.
હવે ટામેટાંને સરખી રીતે ધોઈને તેને ગોળ સમારી લો. પછી ટામેટાંની દરેક સ્લાઈસ પર 1/2 ચમચી ચટણી લગાવો. ટામેટાંની સ્લાઈસને ખીરામાં બોળીને, ચમચીથી ઉપર થોડું ખીરું લગાવી ગરમ તેલમાં તળી લો. ભજીયા પર ચાટ મસાલો ભભરાવો. તો તૈયાર છે ગરમાગરમ ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા. આ ગરમ ભજીયાને કઢી, લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.