ઉપવાસમાં રાખો આટલી કાળજી

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવને ભજવવાનો મહિનો. આથી ઘણા લોકો શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણું જેવા વ્રત કરતા હોય છે. આખી ભોજનમાં અમુક આહાર જ ગ્રહણ કરી શકાતો હોય છે. જેના કારણે દૈનિક ભોજનની સૂચિમાં પણ ફેરફાર થતો હોય છે. જેની અસર પાચન તંત્ર પર પણ પડતી હોય છે.આ મહિનો ચોમાસાની ઋતુ દરમિયાન આવે છે એટલે સ્વાભાવિક રીતે જ વાતાવરણ ભેજવાળું હોય છે અને પાચન ક્રિયા મંદ હોય છે. જાે આવા સમયે પૂરા એક માસ સુધી વ્યવસ્થિત ડાયેટ પ્લાન ન કરવામાં આવે તો શરીરમાં બીમારી થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. આથી ઉપવાસ કરતી વેળાએ આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જાેઈએ તે જાણવું ખૂબ અગત્યનું બની રહે છે.

શરીર હાઇડ્રેટ રાખો

 ઉપવાસ કરતા લોકોને વધુ સમય પછી થાક અને અશક્તિ અનુભવાય છે તો એવું ન બને તેના માટે ભોજનમાં કેટલીક વસ્તુઓને ઉમેરવી પડશે. જેના કારણે શરીરમાં એનર્જી બની રહે અને શરીર હાઇડ્રેટ પણ રહી શકે. સૌથી પહેલા તો દિવસ દરમિયાન લીંબુ શરબત, નાળિયેર પાણી ,અને સાદુ અને ગરમ કરેલા પાણીનું સેવન કરતું રહેવું જરૂરી છે. આના કારણે અશક્તિ,માથાનો દુખાવો, ચક્કર જેવી સામાન્ય સમસ્યાઓ માંથી રાહત મળી રહેશે અને આખો દિવસ થાક નું અનુભૂતિ થતી નથી.

વ્રત દરમિયાન ભારે ખોરાક ન ખાવો

 ઉપવાસ દરમિયાન ફરાળ સ્વરૂપે લેવામાં આવતી ચીજ વસ્તુઓમાં તળેલો, તીખો, તેમજ બહારના પ્રિઝર્વેટીવ ઉમેરેલા ખોરાકનું સેવન ન કરવું જાેઈએ .આવા ખોરાક ખાવાથી શરીરમાં પાચન સંબંધી તકલીફો ઊભી થઈ શકે છે અને વ્રત જ્યારે ખોલવામાં આવે ત્યારે પણ આ બાબતની કાળજી રાખવી જરૂરી છે. બપોરના કે રાતના સમયે ખોરાક જમતી વખતે પણ વધારે ખાંડ કે મીઠાવાળા ખોરાક ખાવાનું ટાળવું જાેઈએ. જાે આવું ન કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન સુસ્તીનો અનુભવ થાય છે અને શરીરમાં અજીર્ણની તકલીફ પણ થઈ શકે છે.

તાજા ફળો તેમજ ડ્રાયફ્રુટ નું સેવન કરવું

 ઉપવાસ દરમિયાન એનર્જીટીક રહેવા માટે તાજા ફળો જેવાં કે,સફરજન, ડ્રેગન ફ્રુટ, લીચી , કેળા વિપનો ફરાળમાં ઉપયોગ કરવો જાેઇએ તથા હેલ્ધી ડ્રાયફ્રુટ કાજુ,મખાના, કાળી દ્રાક્ષ,બદામ જેવાં ડ્રાયફ્રુટને કોઈ વાનગી બનાવી તેમાં ઉમેરી તેનું સેવન કરવું જાેઇએ. ફ્રૂટ અને ડ્રાયફ્રુટમાં પ્રોટીન તથા ફાયબર ભરપૂર પ્રમાણમાં હોવાથી ઓછું ભોજન કરવા છતાં તમારું પેટ ભરેલું રહેશે અને આખા દિવસ દરમીયાન અશક્તિ કે થાક અનુભવાશે નહિ.

એક સાથે વધારે ન જમવું

ઘણી વખત કેટલાક લોકો વ્રત કરતા સમયે આખો દિવસ ભૂખ્યા રહે છે. પરંતુ બપોરે અથવા સાંજે જ્યારે જમવા માટે ખોરાક લે છે ત્યારે ભૂખનાં કારણે એકસાથે વધારે પ્રમાણમાં જમી લેતા હોય છે. આથી ગેસ એસીડીટી જેવી સમસ્યાઓ થઈ શકે છે અને ક્યારેક બ્લોટિંગ જેવી તકલીફ પણ બની શકે છે.આવું ન બને તેના માટે આખા દિવસમાં ત્રણ ચાર કલાકે થોડું થોડું ખાતું રહેવું જાેઈએ. જેથી કરીને દિવસ દરમિયાન વધારે પડતી ભૂખ પણ નહીં લાગે અને નબળાઈની અનુભૂતિ પણ થશે નહીં.

બપોરે દહીં, છાશ કે લસ્સી નું સેવન હિતાવહ છે.

વ્રતના દિવસ દરમિયાન બપોરના સમયે જાે ખોરાક ગ્રહણ કરવાનો હોય કે ફરાળ જમવાનું હોય ત્યારે બપોરના સમયે દહીં, છાશ, અથવા લસ્સીના સેવનથી શરીર એકદમ હળવું રહે છે. કેમકે દહીં એ પ્રો-બાયોટિક ફૂડ છે. વળી છાશ, લસ્સી જેવા પદાર્થોમાં વિટામિન સીનું પ્રમાણ પણ ભરપૂર રહેલું હોય છે .જેથી શરીરની પાચન ક્રિયા યોગ્ય રીતે થાય છે. આ સાથે આ પદાર્થો શરીરની અંદર ઉદભવતી પાણીની ઉણપને પણ નિયંત્રિત કરે છે.

પેકેટનું ફરાળ ન ખાવું જાેઇએ.

ઘણા લોકો ઉપવાસ વ્રત દરમિયાન જુદી જુદી વસ્તુઓ સાથે ઉમેરી તીખાતળેલા, અને ભારે ખોરાકની વાનગીઓ બનાવી જમતા હોય છે. જેના કારણે પાચનતંત્રમાં અવરોધ ઊભો થાય છે.આ સાથે અત્યારે બજારમાં વ્રત ઉપવાસને લઈને અલગ અલગ પ્રકારના ઘણા ખાદ્ય પ્રોડક્ટ જાેવા મળે છે. જેમનો વ્રત ઉપવાસ દરમિયાન ફરાળ માટે બિલકુલ ઉપયોગ ન કરવો જાેઈએ. કારણકે વ્રત દરમિયાન અમુક ખોરાક નિષેધ હોય છે .પેકેટમાં બનાવેલું ફૂડ કઈ વસ્તુના ઉપયોગથી અને કેવી રીતે બન્યું છે તે આપણે જાણી શકતા નથી. આ ઉપરાંત આ પેકેટ કેટલા બધાં સમય પહેલા બનાવેલું હોવાથી અંદરના ખાદ્ય પદાર્થ વાસી થઈ જતા હોય છે અને ફૂડને સ્ટોર કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ થયેલો હોય છે જે શરીરમાં નુકસાનકારક હોય છે..

સમયસર અને પુરતી નિંદર લો

આપણા આયુર્વેદમાં ઊંઘ અને આહાર બંનેને સમાન ગણવામાં આવેલા છે. આથી વ્રતના દિવસો દરમિયાન રાત્રે સમયસર અને પૂરતા પ્રમાણમાં નીંદર કરવી ખૂબ જરૂરી છે. જાે ઊંઘ પૂરી ન થાય તો અશક્તિ,થાક,ચક્કર, કે માથાના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ તકલીફોથી બચવા માટે ચોવીસ કલાક દરમિયાન ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની નીંદર જરૂરી છે. કારણકે નીંદરના સમયે શરીરના આંતરિક અવયવો શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને ઉર્જિત બનાવતા હોય છે. આથી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં નિંદર ન થાય તો શરીરમાં બીમારી થવાની શક્યતાઓ વધી જતી હોય છે.

ધ્યાન કરો અને હળવું સંગીત સાંભળો

વ્રત દરમિયાન આપણા રોજિંદા દૈનિક કાર્યમાં તફાવત થવાથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે આ માટે હળવું સંગીત સાંભળી અને મન એકાગ્ર કરી થોડા સમય માટે ધ્યાન કરવું જાેઈએ. જેથી શરીરની સાથે મનની તંદુરસ્તી પણ જાળવી શકાય.

 આપણી ધાર્મિક પરંપરામાં વ્રત અને ઉપવાસનું આગવું મહત્વ દર્શાવવામાં આવેલું છે. ધાર્મિક શાસ્ત્ર અનુસાર વ્રત અને ઉપવાસ કરવાથી પુણ્યના કર્મોમાં વધારો થાય છે અને ઈશ્વર પ્રસન્ન થાય છે.પરંતુ ધર્મનો વૈજ્ઞાનિક અભિગમ જાેઈએ તો ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ થાય છે અને શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.આથી આધુનિક સમયમાં ભાગદોડ નાં રૂટિનમાં જાે એક દિવસ સીમિત ખોરાક લઈને અથવા માત્ર ફળ આહાર લઈને ભૂખ્યું રહેવામાં આવે તો શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આથી વ્રત ઉપવાસના દિવસો દરમિયાન ધર્મની સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને થોડીક કાળજી રાખીએ તો ઉપવાસ સાચા અર્થમાં ફળદાયી બની રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution