શ્રીનગર-
પાકે તેની નાપાક હરકત વધુ એકવાર કરીને રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને ગોલાબારી કરી હતી જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનનાં 3 સૈનિકો માર્યા ગયા હતા. જયારે 8 ઘાયલ થયા હતા અને પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ થઈ ગઈ હતી.
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર મેંઢરનાં મનકોટ સેકટરમાં સોમવારે લગભગ સાડા દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન મોર્ટાર મારો કર્યો હતો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.જેથી પાક તરફથી ગોલાબારી થંભી ગઈ હતી. રાત્રે દસ વાગ્યે પાકિસ્તાની તરફથી મેંઢર સેકટરમાં બીજી વાર ગોલાબારી શરૂ કરી હતી. આ દરમ્યાન ભારતની કાર્યવાહીથી પીઓકેમાં હાજીપીર છંબ અને રબચીકડી સેકટરમાં પાકિસ્તાનને ભારે નુકશાન વેઠવુ પડયુ હતું. આ દરમ્યાન પાકિસ્તાનનાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અને આઠ સૈનિકો ઘાયલ થયા હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ આગની લપેટોમાં આવી ગઈ હતી. પાકિસ્તાનની ગોલાબારીથી કેટલાંક ઘરો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા અને પશુ પાલકો ઘાયલ થયા હતા. લોકોએ સુરક્ષીત સ્થાનો અને બંકરોમાં આશ્રય મેળવ્યો હતો.