ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માના ગોતાકંપા સેવા સહકારી મંડળીના સેક્રેટરી સભાસદોના ડિવિડન્ડના રૂ. ૧.૧૦ લાખ સાબરકાંઠા બેન્કમાંથી ઉપાડી થેલીમાં મૂકી બહાર આવતાં બાઇક પર લગાવતાં દરમિયાન બાઇક ચાલુ ન થતાં નીચે ઉતરી જોતાં થેલી નજર ન આવતાં બેંક મેનેજરને વાત કરતાં મેનેજરે સીસીટીવી ચેક કરતાં બાઇક પર લગાવેલ રૂપિયા ભરેલી થેલી ટાબરિયું ઉઠાવી ફરાર થઇ જતાં સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ગોતાકંપા સેવા સહકારી મંડળીના સેક્રેટરી જગદીશભાઇ પટેલ સભાસદોને ડિવિડન્ડની રકમ લેવા સોમવાર બપોરે ૨.૩૦ વાગે પોતાનું બાઇક નંબર જીજે ૯. આર. ૬૮૨૯ લઈ ખેડબ્રહ્મા સાબરકાંઠા બેંકમાં આવ્યા હતા. જગદીશભાઇ પોતાના પાસેના ૫૦ હજાર રૂપિયાના છૂટા કરાવ્યા હતા અને મંડળીના ખાતામાંથી ૬૦ હજાર ઉપાડી કુલ ૧,૧૦,૦૦૦ ની રકમ પર્સમાં મૂકી તે પર્સ અને ચેક બુક વગેરે કાપડની થેલીમાં મૂકી તેઓની બાઇક પાસે આવેલ અને થેલી બાઈકના હુકમાં ભરાવી બાઇક ચાલુ કરતા હતા ત્યારે બાઇક ચાલુ ન થતાં જેથી જગદીશભાઈ નીચે ઉતરી બાઇકના હુક પર નજર જતાં પૈસા ભરેલી થેલી નજર ન આવતાં જગદીશભાઇએ આજુબાજુ તપાસ કરી હતી. પણ થેલીનો કોઇ પત્તો ના લગતા બેંકમાં જઇ મેનેજરને વાત કરતાં તેમણે સીસીટીવી ચેક કરતાં જગદીશભાઇ બાઇક ચાલુ કરતાં હતા ત્યારે એક બાળક રૂપિયા ભરેલી થેલી કાઢી લઈ જતું દેખાયુ હતું. જેથી જગદીશભાઈને ચોરી થયા હોવાનું માલૂમ પડતાં તેમને અજાણ્યા ટાબરિયાં વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ લઈ તપાસ હાથ ધરી છે.