ગાંધીનગર-
ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા ૧૨ લાખથી વધુ શિક્ષકોની નોકરી પર જાેખમ આવી ગયું છે. આ મામલે સારા ખાનગી શાળા સંચાલકોએ સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે જાે સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદમાં શિક્ષકોની હાલત કફોડી બની રહી છે કેમકે, સરકારે ઓનલાઇન શિક્ષણની ફી લેવાનું બંધ કરી દેતા શાળા સંચાલકોએ પણ શિક્ષકો સહિત શાળાના સ્ટાફને પગાર આપવાની અસમર્થતા દર્શાવવા લાગ્યા છે.
રાજ્યના ખાનગી શાળા સંચાલકના આગેવાન અર્ચિત ભટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૨૨ માર્ચથી એટલે કે છેલ્લા છ મહિનાથી ફી ના લેવા માટેનો ઓર્ડર કર્યો છે જેથી શાળા સંચાલકોની સ્થિતિ પણ કફોડી બની છે કેમકે રાજ્યના કોઇપણ ખાનગી શાળા સંચાલક પાસે છ મહિનાનું સરપ્લસ હોઈ શકે નહીં કારણ કે છેલ્લા ચાર વર્ષથી બનાવેલી ફી નિર્ધારણ સમિતિએ શાળાઓની ૨૫થી ૩૦ ટકા ફીમાં ઘટાડો કર્યો છે તેથી શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ પણ એવી નથી રહી કે શિક્ષકોને પૂરતો પગાર આપી શકે છે. આ મામલે અમે ખાનગી શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ ૧૫થી ૨૦ વખત માગણી કરી છે કે શિક્ષકો અને સ્ટાફને પગાર આપવો તમને પોસાય તેમ નથી તેથી રાજ્ય સરકાર અમારા જે ખર્ચ છે તેમાં ૭૦ ટકા પગાર માં જાય છે અને ૩૦ ટકા બીજા ખર્ચા હોય છે
તો પગારનો ખર્ચ સરકાર અમને આપે અથવા તો શાળા સંચાલકોને આત્મનિર્ભર લોન આપે જેથી શિક્ષકો અને સ્ટાફનો પગાર અમે કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ના ખાનગી શાળાના આઠ લાખ જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફ છે જ્યારે ધોરણ ૧ થી ૮ની સ્વનિર્ભર શાળાઓમાં સાડા ત્રણ લાખ જેટલા શિક્ષકો સહિતનો સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે આ તમામને પગાર આપવો સંચાલકોને હવે પરવડે તેમ નથી તેથી નાછૂટકે અમારે પણ શિક્ષકોને છુટા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.