વડોદરા,તા.૯
આજે સવારે વાડી વિસ્તારમાં આવેલા મહંમદ તળાવમાં એક વ્યક્તિ પડી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના લાશ્કરો અને પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જાેકે, લાશ્કરોએ સતત ૬ કલાક સુધી ઘનિષ્ઠ શોધખોળ કરી હોવા છતાં તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડને મળેલો કૉલ સાચો હતો કે ખોટો તે અંગે વિમાસણ સર્જાઈ છે. વડોદરાના વાડી વિસ્તારના મહંમદ તળાવમાં અજાણી વ્યક્તિ ડૂબી હોવાની જાણ વિસ્તારમાં પ્રસરી જતાં આસપાસના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ આવીને તળાવમાં ડૂબી ગયેલી વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. બે રબર બોટ દ્વારા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આખુ તળાવ ખૂંદી નાખ્યું હતું, પરંતુ, ડૂબી ગયેલી વ્યક્તિનો કોઇ પત્તો મળ્યો ન હતો.
આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. આસપાસના વિસ્તારમાં ડૂબી જનાર વ્યક્તિ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસને કોઇ માહિતી મળી ન હતી. ૬ કલાકથી તપાસ કરી રહેલા ફાયર બ્રિગેડના લાશ્કરોને ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ ન મળતા ખરેખર તળાવમાં વ્યક્તિ ડૂબી ગયો છે કે, પછી કોઇએ ખોટો મેસેજ આપ્યો છે તે અંગે રહસ્યો સર્જાયા છે.