સૂર્યકુમાર યાદવ! સ્કાય! તે આકાશમાંથી તારાઓ ચોરી લાવે છે!

સૂર્યકુમાર યાદવ! તેનું હુલામણું નામ છે સ્કાય એટલે કે આકાશ! અને ક્રિકેટનો આ ખેલાડી આકાશમાંથી તારાઓ ચોરી લે છે! ૨૦૨૪ના ટી-ટ્‌વેન્ટી ઇન્ટરનેશનલ વર્લ્ડ કપની અંતિમ ઓવરના પ્રથમ બોલે તેણે ડેવિડ મિલરનો જે કેચ પકડ્યો હતો તે વાસ્તવમાં ટ્રોફી પકડ્યા જેવો હતો! એ પછી તે ટી-ટ્‌વેન્ટી ટીમનો કેપ્ટન બન્યો. તેની પહેલી સિરિઝ રહી શ્રીલંકા સામે. ભારતના ધુરંધર ખેલાડીઓને આરામ આપીને સ્કાયને સાવ નવા જેવી ટીમ આપવામાં આવી. ત્રણ મેચની સિરિઝની પ્રથમ બે મેચમાં ભારત હારની બીજી જીતી ગયું. ખરો મુકાબલો થયો ત્રીજી મેચમાં. પ્રથમ બેટીંગ કરતાં ભારત માત્ર ૧૩૭ રન કરી શક્યું. જવાબમાં શ્રીલંકાએ સંભાળપૂર્વક રમવા માંડયું. સત્તરમી ઓવર સુધી તેના માટે બધું જ બરાબર રહ્યું. સત્તરમી ઓવરના અંતે તે ૧૧૭ રન કરી ચૂક્યું હતું અને તેની ચાર જ વિકેટ પડી હતી. હવે બાકીની ત્રણ ઓવરોમાં સાતની સરેરાશથી ૨૧ રન કરવાના હતા અને શ્રીલંકાની પાસે પૂરી છ વિકેટો બાકી હતી. અઢારમી ઓવર ખલીલ એહમદની આવી. એક જ ઓવરમાં પાંચ વાઈડ બોલ સાથે તેણે બાર રન આપી દીધા. હવે છેલ્લી બે ઓવરમાં માત્ર નવ રન કરવાના હતા. એટલે કે બાર બોલમાં નવ રન અને પાસે વિકેટ હતી પૂરી છ! તે વખતે સૂર્યકુમારે કોને બોલિંગ આપી? ઓગણીસમી ઓવર કોણે નાખી? બેટસમેન રિંકુ સિંહે! એને તે પણ એવી ઓવર કે બે વિકેટ લીધી અને માત્ર ચાર રન આપ્યા! એ પછી અંતિમ ઓવર નાખી સ્વયં સૂર્યકુમારે. એણે પણ ચાર રન આપીને બે વિકેટ લીધી. પરિણામ એ આવ્યું કે જે શ્રીલંકાની જીત નિશ્ચિત દેખાઈ રહી હતી તેણે મેચને ટાઈ થતી જાેઈ! એ પછીની સુપર ઓવરમાં શ્રીલંકા માત્ર બે રન કરીને આઉટ થઈ ગયું ત્યારે સૂર્યકુમારે બેટિંગમાં આવીને પ્રથમ બોલે જ ચોક્કો મારીને મેચ જીતી લીધી.

આજે પણ દક્ષિણ આફ્રિકામાં એ ચર્ચાનો અંત નથી આવી રહ્યો કે લગભગ જીતી લીધેલી ફાઈનલ આપણે કેવીરીતે હારી ગયા? અને શ્રીલંકાને પણ એ નથી સમજાતું કે જ્યારે બાર બોલમાં નવ જ રન કરવાના હતા અને પૂરી છ વિકેટ જમા હતી ત્યારે પણ મેચ ટાઈ કેમની થઈ? અને અંતે આપણે હાર્યા કેવી રીતે?

આ કમાલ સૂર્યકુમારની છે! તે આકાશમાંથી સિતારાઓને ચોરી લે છે! તો ચાલો આજે તેની કુંડળી જાેઈએ.

વૃશ્ચિક લગ્નની તેની કુંડળીમાં સાતથી દસમા સ્થાન સુધીનાં ચાર સ્થાનો સૌથી અગત્યનાં છે. તેમાં સાતમું સ્થાન જાહેર જીવનનું છે અને દસમું સ્થાન કર્મનું છે. સ્કાયની કુંડળીમાં આ બે સ્થાનો વચ્ચે નવમાંથી સાત સાત ગ્રહો છે. તેનાથી સપ્તમાલિકા નામનો યોગ બને છે જે ઘણો જ શુભ છે. જાેવાની ખૂબી એ છે કે આ સપ્તમાલિકા યોગ જે ચાર સ્થાનોમાં બની રહ્યો છે એ ચારેય સ્થાનોના સ્વામી પણ એક યા બીજી રીતે એ ચાર સ્થાનોમાં જ બિરાજમાન છે. આ અતિ શુભ યોગ-સંયોગ છે. સૂર્યકુમાર માટે આગળનો સમય સ્વર્ણમય બની રહેવાનો છે.

કુંડળીના બીજા સ્થાનમાં ગુરૂના ઘરનો શનિ છે. શનિ આંતરપ્રેરણા આપતો ગ્રહ છે તો ગુરૂ કાંઈક નવું કરવાની દક્ષતા આપતો ગ્રહ છે. એ પણ જુઓ કે ત્રીજા પરાક્રમ સ્થાનમાં શનિના ઘરનો રાહુ છે. રાહુ પરંપરાઓને તોડતો ગ્રહ છે.

સૂર્યકુમારની રમતમાં તમને પરંપરાગત ક્રિકેટીંગ શોટ્‌સ કરતાં તેના પોતાના બિન પરંપરાગત શોટ્‌સ વધારે જાેવા મળશે.

સૂર્યાની કુંડળીના ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો ગુરૂ છે તો કર્મસ્થાનમાં સ્વગૃહી સૂર્ય છે. સૂર્યની સાથે બિરાજેલો બુધ બુધાદિત્ય યોગ કરી રહ્યો છે અને અત્યારે સૂર્યાને બુધની મહાદશા ચાલી રહી છે. ૨૦૨૭ સુધી તેના માટે અતિ શુભ સમય છે. એટલે કે આ સમય સુધી તે ખૂબ સારી રીતે ક્રિકેટ રમશે અને નિરંતર પોતાની નામના તથા સફળતામાં વધારો કરતો રહેશે. ૨૦૩૨ પછી તેને શનિની મહાદશાની સાથે શનિની સાડાસાતી પણ શરૂ થશે. આ સમય તેની નિવૃત્તિનો રહેશે. જાે

કે એ પછી પણ તે કોઈને કોઈ રીતે ક્રિકેટની સાથે જાેડાયેલો રહેશે.

એક અગત્યની વાત. ભારતીય ટીમના કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂંક થઈ છે. એક કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ એટલો જ વિવાદાસ્પદ રહેશે જેટલો ક્યારેક ગ્રેગ ચેપલનો રહ્યો હતો. ગ્રેગ ચેપલના કાર્યકાળમાં જ ભારતીય ટીમનું પતન થયું હતું અને સૌરવ ગાંગુલીની કપ્તાની પણ ગઈ હતી. ગૌતમ ગંભીરના કાર્યકાળમાં પણ આવું જ કાંઈક બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ધુરંધરો સાથે તેને વિવાદ થશે અને આ વિવાદ વધુ ને વધુ ગહન બનતો જશે. એક માત્ર સૂર્યકુમાર યાદવ એવો કેપ્ટન રહેશે જે ગૌતમ ગંભીરનું ભાગ્યે જ સાંભળશે કે માનશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution