03, ઓગ્સ્ટ 2023
અમદાવાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની બેદરકારી કે આંખ આડા કાન કરવાની નીતિને કારણે કેટલાક જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીઓ મનફાવે તેવા અર્થઘટનો કરીને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને સસ્પેન્ડ કે બદલીઓ કરવાના નિર્ણયો લેવામાં આવતા હોવાની બુમો ઉઠી રહી છે.સામાન્ય વહીવટ વિભાગના નિયમોનુસાર ગમે તે કેસમાં સરકારી કર્મચારીને ફરજ મોકુફી ઉપર ઉતારી શકાતા નથી.ત્યારે નિયમ ભંગ કર્યો હોવાનું જાણતા હોવાછતાં આવા હુકમો કેમ કરવામાં આવ્યા તે શંકાસ્પદ જણાય છે.જ્યારે નિયમો મુજબની કાર્યવાહી નહિ કરીને કેટલાક જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીઓ જાતે જ સામાન્ય વહીવટ વિભાગના નિયમોનો ભંગ કરી રહ્યા છે,ત્યારે તેઓની સામે પણ ફરજ મોકુફી કે બદલીની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કેમ કરવામાં આવતી નથી,તેવા સવાલો ઉઠી રહ્યા છે. આવી જ હાલત છેલ્લા કેટલાક સમયથી ખેડા જિલ્લામાં જાેવા મળી રહી છે,જ્યાં જવાબદાર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કે.એ.પટેલ જાતે જ તાનાશાહ બનીને કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ બચાવ કે ખુલાસો કરવાની તક આપ્યા વિના તાબડતોબ ખડેપગે સસ્પેન્ડ અને બદલીઓ કરવાના નિર્ણય લઈ રહ્યા છે.જેને કારણે કેટલાક શિક્ષકોની પ્રતિષ્ઠા કે આબરૂને અસર થતી જાેવા મળે છે.આ ઉપરાંત ફરજમોકુફી કે બદલીને કારણે અન્ય માનસિક અત્યાચારનો પણ ભોગ બનવું પડતું હોય છે.સામાન્ય વહીવટ વિભાગના ૧૯૭૧ના નિયમો મુજબ ગમે તે કેસમાં ફરજ મોકુફીનો નિર્ણય લઈ શકાતો નથી.સરકારી કર્મચારીને ક્યારે અને કેવા સંજાેગોમાં ફરજ મોકુફી ઉપર ઉતારવો જાેઈએ તે બાબતે નિયમોમાં વિગતવાર જણાવાયું છે,તેમછતાં તેને નજર અંદાજ કરીને ફરજ મોકુફીના હુકમો કોના ઈશારે,કોના દબાણથી અને ક્યા ઉદ્દેશથી કરવામાં આવી રહ્યા છે,તેવા સવાલો ઉઠી રહ્યા છે.
તાજેતરમાં બાળકોના ટ્યુશન કરવા કે સરકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેવું અથવા તો તાલીમી સ્નાતકોને ઈન્ટર્નશીપ કરવાની છુટ આપવી જેવા કારણોમાં જે તે શિક્ષકો સામે સસ્પેન્ડ અથવા બદલીની તાબડતોબ કાર્યવાહી કરી દેવામાં આવી હતી.જેમાં કારણદર્શક નોટિસ આપીને કુદરતી ન્યાયના સિધ્ધાંતને અપનાવીને બચાવ કે ખુલાસાની તક આપવામાં આવી નહોતી.જેને કારણે આવા શિક્ષકોની પ્રતિષ્ઠાને માઠી અસર પહોંચી હોય તે સ્વાભાવિક છે.જાે કે નિયમ મુજબ જાે કોઈ સરકારી કર્મચારી તપાસ દરમ્યાન કંઈ દખલ કે પુરાવા નાશ કરી શકે તેમ હોય તેવા સંજાેગોમાં ફરજ મોકુફ કરવામાં આવતા હોય છે.જાે કે ઉપરોક્ત બનાવોમાં કોઈ શિક્ષકો તપાસમાં દખલગીરી કરી શકે તેવા સંજાેગો જણાતા નથી.આ ઉપરાંત જાે તેઓએ કોઈ નિયમોનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ થઈ ગયું હોય તો તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવા જાેઈએ,તેને બદલે ફરજ મોકુફી કરવાનો શું મતલબ છે,તે સમજાતું નથી.જ્યારે શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાના અંગત સંબંધોની ફરિયાદો ગામલોકોએ કરી હોવાના કારણે અન્યત્ર વહીવટી કારણોસર બદલી કરી દીધા બાદ થોડાક જ મહિનાઓમાં તેમને મુળ શાળામાં પરત મુકવામાં આવ્યા તે ક્યા નિયમો હેઠળ લવાયા તે પણ પ્રશ્ન થઈ પડ્યો છે.
ફરજ મોકૂફી કરવાના નિયમો શું કહે છે ?
સામાન્ય વહીવટ વિભાગ(શિસ્ત અને અપીલ)નિયમો ૧૯૭૧ના નિયમ-પ(૧)ની જાેગવાઈ મુજબ સરકારી કર્મચારી સામે શિસ્ત વિષયક કાર્યવાહી(ખાતાકીય તપાસ) કરવાની બાબત વિચારણા હેઠળ હોય,સુચિત હોય કે પડતર હોય ત્યારે અથવા તેની સામે નૈતિક અધઃપતન વાળા કોઈ ફોજદારી ગુના અંગેનો કેસ અન્વેષણ,તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી હેઠળ હોય ત્યારે તેને ફરજ મોકુફી હેઠળ મુકી શકાય છે.આ ઉપરાંત બે શરતો સંતોષાતી હોય તો જ સરકારી કર્મચારીને ફરજમોકુફી હેઠળ મુકી શકાય,જેમાં કર્મચારીએ ગંભીર ગેરવર્તણૂક, ગંભીર ગુનો,ગેરશિસ્ત કે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાતું હોય અને તેને આધારે તેને નોકરીમાંથી બરતરફ,રૂખસદ કે ફરજિયાત નિવૃત્તિની શિક્ષાઓ પૈકીની કોઈ શિક્ષા થઈ શકે તેમ પ્રથમ દર્શનીય રીતે જણાતું હોય અને તે સક્રિય સેવામાં ચાલુ રહેવાથી તપાસ કે અન્વેષણમાં તે અડચણરૂપ બની શકે કે પુરાવાઓ સાથે ચેડાં કરવાની કે સાક્ષીઓને ફોડી નાખવાની તક મળે તેમ હોય ત્યારે ફરજ મોકુફી કરી શકાય.
જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી નિયમો તોડે તો ચાલે પણ શિક્ષકો સસ્પેન્ડ થાય
સામાન્ય વહીવટ વિભાગના સ્પષ્ટ નિયમો અને ઉલ્લેખ હોવાછતાં ગંભીર પ્રકારના કેસ ન હોવાછતાં ફરજમોકુફી ઉપર મુકવાના નિર્ણયો કરીને પોતે જ નિયમોનો ભંગ કર્યો હોવાનું સિધ્ધ કર્યું છે.શિક્ષકો દ્વારા ટ્યુશન નહિ કરવાના ચુસ્ત નિયમ હોય તો તે નિયમ તોડ્યા હોવાનું સ્પષ્ટ હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહે છે.જાે કે અચાનક ફરજ મોકુફી કરીને વિભાગના નિયમોનો ભંગ તેઓ જાતે જ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે,ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રા.શિક્ષણાધિકારી સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શું કહે છે ?
કેટલાક જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીઓ દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ધ્યાને લીધા વિના ફરજમોકુફી કે બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.જે મામલે પુર્વ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કે.એ.પોટાએ જણાવ્યું હતું કે ફરજમોકુફી ચોક્કસ સંજાેગોમાં કરવામાં આવે છે,જેનો સ્પષ્ટ ઉલ્લેખ નિયમોમાં કરવામાં આવેલ છે.તેઓ પોતે જ્યારે ખેડા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી હતા ત્યારે અનુશાસનના આગ્રહી હતા અને રહેતું હતું તો પણ કોઈની સામે નિયમ વિરૂધ્ધ કાર્યવાહી કરી નથી,અને જરૂર જણાયે કારણદર્શક નોટિસ આપીને યોગ્ય કાર્યવાહી કરી હતી.ત્યારે હાલમાં સરકારી પ્રાથમિક શિક્ષકને કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ બચાવની તક આપ્યા વિના નિયમ વિરૂધ્ધ ફરજમોકુફી હેઠળ ઉતારી દેવામાં આવી રહ્યા છે,તે ગંભીર બાબત છે.જાે શિક્ષકે કોઈ નિયમભંગ કર્યો હોવાનું પ્રથમદ્રષ્ટિએ પુરવાર હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવા જાેઈએ,નહિ કે ફરજ મોકુફી કે બદલી.
કોના દબાણ અને ક્યા ઉદ્દેશથી ફરજમોકૂફ કરાયા ?
જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયમોનું મનઘડત અર્થઘટન કરીને શિક્ષકો સામે ફરજમોકુફી કે બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેને પગલે શિક્ષકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.કોના દબાણ અને ઈશારે ફરજમોકુફી અને બદલી કરવામાં આવી અને ક્યા ઉદ્દેશથી કરવામાં આવી તેવા વેધક સવાલો ખેડા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સામે ઉઠી રહ્યા છે.રાજ્ય પ્રા.શિક્ષણ નિયામક અને શિક્ષણ મંત્રી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો નિયમોનો ભંગ કેવી રીતે અને કેમ કરવામાં આવ્યો તે બહાર આવી શકે છે.