ઇસ્લામાબાદ-
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ શુક્રવારના દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું છે. એટલું જ નહીં તેમણે એ પણ કહ્યું છે કે તેમની પાસે આના પુરાવા પણ છે. કુરૈશીએ આ દાવો દુબઈમાં કર્યો છે, જ્યાં તેઓ એક પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા હતા.તેમણે દાવો કર્યો છે કે દેશની ઇન્ટેલિજન્સને આ વિશે જાણકારી મળી છે.
શાહ મહેમૂદ કુરૈશી સાઉદી અરબ અમીરાતની ૨ દિવસની મુલાકાતના અંતમાં પ્રેસ કૉન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન કુરૈશીએ કહ્યું કે, એક મોટી જાણકારી ઇન્ટેલિજન્સ ફૉર્સેસ દ્વારા મળી છે કે ભારત પાકિસ્તાનની વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકનું પ્લાન કરી રહ્યું છે.
આને ખતરનાક ડેવલપમેન્ટ ગણાવતા કુરૈશીએ કહ્યું કે, ભારત પહેલાથી જ એ દેશોની સહમતિ લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેમને ભારત પોતાના પાર્ટનર માને છે. કુરૈશીએ એ પણ દાવો કર્યો કે, ભારતે સ્ટ્રાઇક એ માટે પ્લાન કરી છે જેથી તે પોતાના આંતરિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી શકે. તો ડોન સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે હુમલાની આશંકામાં પાકિસ્તાનની સેનાને મહિનાની શરુઆતમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવી હતી.