ગોપાલ પંચાલ ા વડોદરા
વિશ્વમાં હાલ એઆઈની બોલબાલા છે, પરંતુ તેને ફાયદા સાથે ગેરફાયદા પણ તેટલાં જ ચર્ચામાં છે. બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે. હાલના સમયની સૌથી હાઇટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોની ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ટેક્નોલોજીનો દૂર ઉપયોગ આજના સમયમાં કોઈને શીખવાડવો ન પડે તે નક્કી છે. એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવી જેમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે કે મનોરંજન માટે તે સૌથી મોટો પ્રશ્ન છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હવે, માત્ર તબીબી સાધનોમાં જ નહીં અન્ય રીતે પણ ટેક્નોલોજીકલી અપડેટ થઇ રહી છે. એસએસજી હોસ્પિટલમાં મોટાભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેક્નોલોજી સાથે જ વસાવવામાં આવી રહ્યા છે. ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ પર આવતાં તબીબોને ફરજિયાત સમયસર હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલના સર્જીકલ, મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ વિભાગ હેઠળ આવતી ૬ ઇમારતોમાં ૬ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. જે પાછળ લાખોની ખર્ચ કરાવમાં આવ્યો છે. જાેકે, રાજ્ય સરકાર દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલના આદેશથી લગાવવામાં આવેલી હાઈટેક સિસ્ટમનો દૂર ઉપયોગ પણ શરૂ થઇ ગયો છે. ગણતરીના દિવસો પહેલા લગાવવામાં આવેલી સિસ્ટમનો હાજરી સિવાય ઉપયોગ કઈ રીતે કરી શકાય તે ટેક્નોસેવી કર્મચારીઓ અને દર્દીઓના સગાંઓએ શોધી કાઢ્યું છે. બાયોમેટ્રિક સિસ્ટમના ડેટા રાજ્ય સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલ દિલ્હીમાં રેકોર્ડ થાય છે. જે માટે સિસ્ટમને સતત ઈન્ટરનેટ સાથે કનેક્ટ રાખવામાં આવી છે, જેમાં પ્રાધ્યાપકો હાજરી ભરે તે સિવાયના સમયમાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ મિની ટીવી તરીકે કરવામાં આવી રહ્યો છે, જેમાં કર્મચારીઓ દ્વારા ટીવી સીરિયલ અને ફિલ્મો જાેઈ મનોરંજન મેળવવામાં આવી રહ્યું છે, જેના પગલે નજીકના ભવિષ્યમાં જ સિસ્ટમને નુકશાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
ભારતભરમાં તબીબી પ્રાધ્યાપકોની અછત
નેશનલ મેડિકલ કાઉન્સિલમાંથી મળતી માહિતી અનુસાર દેશભરમાં સરકારી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતાં તબીબી પ્રાધ્યાપકોને ખાનગી પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ હોય છે, જેથી તબીબી પ્રાધ્યાપકો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવાનું ઓછું પસંદ કરે છે, જેના કારણે હાલ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં સરકારી મેડિકલ કોલેજમાં તબીબી પ્રાધ્યાપકોની અછત પડી રહી છે.
કેટલાક બાયોમેટ્રિક મશીન તો શરૂ થતાં જ ખોટકાઈ ગયાં
નેશનલ મેડિકલ કાઉન્સિલના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લગાવવામાં આવી છે. જે શરૂ થયાને ગણતરીના જ દિવસો થયા છે. ત્યારે તેનો દૂર ઉપયોગ થવાના કારણે કેટલીક સિસ્ટમ ખોટકાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ખાનગી પ્રેક્ટિસ કરતાં
પ્રાધ્યાપકો પર ગાળિયો કસાશે
નેશનલ મેડિકલ કાઉન્સિલ પાસે આવેલી ફરિયાદો બાદ સરકારી પગાર લઇ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો પર લગામ લગાવવા માટે આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જ એસએસજી હોસ્પિટલ ખાતે ફેસ રીડિંગ સાથેની બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લગાવવામાં આવી છે. જે સીધી જ રાજ્ય સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલ દિલ્હીના સર્વર સાથે ઈન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવામાં આવી છે, જેથી નેશનલ મેડિકલ કાઉન્સિલ અને રાજ્ય સરકાર તબીબોની અવરજવર પર નજર રાખી શકે.
પ્રાધ્યાપકોની હાજરી પર જ મેડિકલની બેઠકો નક્કી કરાય છે
નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજમાં બેઠકો વધારવાની દરખાસ્ત કરવામાં આવે ત્યારે કાઉન્સિલ દ્વારા તબીબી પ્રાધ્યપકોની હાજરીના આધારે બેઠકો વધારવાની મંજૂરી આપવામાં આવે છે. અનેક વખત પ્રાધ્યાપકોની હાજરી ઓછી હોવાના કારણે દરખાસ્ત અનુસાર બેઠકોને મંજૂરી આપવામાં આવતી નથી, જેની સીધી અસર સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસની ઈચ્છા ધરાવતા ઉમેદવારોને નુકશાન જતું હોય છે.
દ્ગસ્ઝ્રના ઇન્સ્પેક્શન દરમિયાન જ કેમ થાય છે પ્રાધ્યાપકોની બદલી?
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા વર્ષમાં એક વખત તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવતું હોય છે. જે ઇન્સ્પેક્શન ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત એસએસજી સહિતની મેડિકલ કોલેજમાં પણ આવતું હોય છે. જે ઇન્સ્પેક્શન સમયે પ્રાધ્યાપકોની સંખ્યા ઓછી હોય તો રાજ્ય સરકાર દ્વારા નિયમ અનુસાર પ્રાધ્યાપકોની સંખ્યા બતાવવા માટે એક સરકારી કોલેજમાંથી બીજીમાં બદલી કરી દેવામાં આવતી હોય છે.
પ્રાધ્યાપકોની ૭૦ ટકા હાજરી ફરજિયાત કરાઈ
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તબીબી પ્રાધ્યાપકોની હાજરી ઓછોમાં ઓછી ૭૦ ટકા ફરજિયાત કરવામાં આવી છે. જે ર્નિણય બાદ પ્રાધ્યાપકો ૭૦ ટકા હાજરી બતાવવા માટે મનસ્વી રીતે આવી ચોપડામાં હાજરી ભરી દેતા હતા, જેથી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો ર્નિણય લેવાયો છે. જે અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં પણ છ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાઈ છે.