સુરેન્દ્રનગર-
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, એ કોરોનાની વેક્સિનનું સુરેન્દ્રનગર જિલ્લામાં આગમન થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલેથી મંગળવારે મોડી સાંજે વેક્સિનના 9500 ડોઝ લવાયા હતા. વેક્સિનને જિલ્લા પંચાયત સામે બનેલા સ્ટોર રૂમમાં રખાઇ છે. 16મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના 2 તથા લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રાના 1-1 મળી કુલ 5 કેન્દ્ર પરથી 500 આરોગ્ય કર્મચારીઓને રસીનો પહેલો ડોઝ અપાશે. વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે રસીની શોધ થયા બાદ તેનું સફળ પરિક્ષણ પણ થયું છે.
રસીના પરીક્ષણ બાદ સમગ્ર રાજ્યમાં એક સાથે 5 જાન્યુઆરીએ ડ્રાયરન કરાયું હતું, જેમાં જિલ્લામાં 5 સ્થળે 5-5 હેલ્થ વર્કરને રસી આપવાની મોકડ્રીલ કરાઈ હતી. ડ્રાયરન બાદ 12 જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલથી સાંજે 4-30 કલાકે સુરેન્દ્રનગર જિલ્લા માટે રસીના 9500 ડોઝની ફાળવણી કરાતાં વેક્સિન વૅનમાં રસી સુરેન્દ્રનગર લવાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સામે બનેલા સ્ટોરરૂમમાં રસીના આગમન સમયે જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.