સુરત: આમ આદમી પાર્ટીએ ચા વાળાને ચૂંટણી લડવાની તક આપી

સુરત-

પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા ટી એન્ડ કોલ્ડ્રીન્ક્‌સ નામની નાનકડી દુકાન ધરાવનાર અને ચા બનાવીને લોકોને આપનાર મેહુલ પટેલને આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. પાંડેસરા વિસ્તાર એવો છે કે, જ્યાં મોટાભાગે ઉદ્યોગિક એકમો આવ્યા છે અને સ્લમ વિસ્તાર પણ છે. મેહુલ પટેલ છેલ્લા સાડા ચાર વર્ષથી આ નાનકડી દુકાનમાં સ્થાનિક લોકોને ચા બનાવીને આપે છે. તેઓ મૂળ મહેસાણાના વતની છે. વડનગરમાં ફેક્ટરીમાં કાર્યરત હતા અને ત્યાં ફેક્ટરી બંધ થઈ જતા તેઓ સુરત આવી ગયા હતા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે રાજકારણમાં શા માટે આવ્યા છો તે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ચાની દુકાન ધરાવે છે. અહીં રોજે અનેક લોકો આવીને ચર્ચા વિચારણા કરતા હોય છે. પોતાની સમસ્યા એકબીજાને કહેતા હોય છે. તે સાંભળીને લાગ્યું કે, ચૂંટણી લડીને લોકોની સમસ્યા દૂર કરી શકાય. મારો સ્વભાવ પણ એવો છે કે, જ્યારે હું કોઈનું દુઃખ સાંભળું તો હું તેનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતો હોઉ છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ અને ભાજપ ઉપર લોકોનો વિશ્વાસ વધારે નથી.

હાલ કોંગ્રેસ સુરતમાં જ નથી અને ભાજપ ઉપર લોકો આટલો વધુ વિશ્વાસ કરતાં પણ નથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે અને દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિકાસના કામો કર્યા છે. તે જ મોડલ સુરતમાં પણ લોકોને જાેવા મળે અને ઈમાનદારીથી લોકોના કામ કરવા માટે સમર્પિત રહી શકાય તેથી હું ચૂંટણી લડી રહ્યો છું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution