સુરત-
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. 9, 10 અને 11 જાન્યુઆરી, 2021ના રોજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ત્રિદિવસીય 'સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો- સીટેક્ષ-2021'ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સમગ્ર ટેક્ષ્ટાઇલ સેક્ટરને આવરી લેનારા પ્રદર્શન 'સીટેક્ષ'શ્રેણીનું પાંચમું પ્રદર્શન જાન્યુઆરી,2021માં યોજાશે. જેમાં ટેક્ષ્ટાઇલ મશીનરી અને તેના સંબંધિત એન્સીલરી, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેક્નીકલ ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેક્ટર્સને આવરી લેવામાં આવશે. આ મશીનરીમાં એરજેટ લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, સકર્યુલીંગ નીટીંગ, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહયું હતું કે, ભારત સરકારના ટેક્ષ્ટાઇલ કમિશનર સુશ્રી રૂપ રાશી સીટેક્ષ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
સીટેક્ષ- 2021ના ચેરમેન હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બીટુબી ધોરણે યોજાનારા સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ઇલેક્ટ્રોનિક જેકાર્ડનું પ્રદર્શન કરાશે. સાથે જ વેલવેટ મશીનો આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ એકઝીબીશનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના વિઝીટર્સને પણ આમંત્રિત કરાયા છે. કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ હળવી થશે અને ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ થાય તો તેઓ સીટેક્ષની મુલાકાત લેશે. આ તમામ દેશોના ટ્રેડ એન્ડ કોમર્સના કોન્સ્યુલેટ ઓફિસના પ્રતિનિધીઓ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવશે.સીટેક્ષમાં દેશના અન્ય રાજ્યોના શહેરો જેવા કે ઇચ્છલકરંજી, માલેગાંવ, ઇરોડ, તિરૂપુર, સેલમ, કોઇમ્બતુર, ભીવંડી, મુંબઇ, લુધિયાના, પંજાબ અને પાનીપતથી ટેક્ષ્ટાઇલના ઉદ્યોગપતિઓ મુલાકાતે આવશે. ચેમ્બર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આથી પ્રદર્શનના સ્થળે સ્પોટ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન જ કરવામાં આવશે. સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને દેશભરના ટેક્ષ્ટાઇલ એસોસીએશનોનો સહકાર પ્રાપ્ત થયો છે.