સુરત-
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આજે શાકોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો ભક્તો પ્રસાદનો લહાવો લેતા હોય છે. આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ મહત્ત્વ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે સુરાખાચરને ત્યાં સૌ પ્રથમ વખત શાકોત્સવનું આયોજન કર્યું હતું. તે વખતે 60 મણ રીંગણાના શાક 12 મણ ઘીનો વઘાર કરીને બનાવ્યું હતું. સંતોએ રોટલા બનાવ્યા. હજારો સંતો-ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો. ભગવાને બનાવેલી દિવ્ય રસોઈનો સૌ સંતો-ભક્તોએ આનંદ માણ્યો હતો તેની આજે પણ સ્મૃતિ તાજી થાય છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના મહંત હરિકેશવદાસજી સ્વામી, અનાદિસિદ્ધદાસજી સ્વામી, ધર્માત્માપ્રિયદાસજી સ્વામી, સનાતનદાસજી સ્વામી વગેરે સંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.