સુરત-
રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. આજુબાજુ વધી રહેલા કેસોથી લોકોનો જીવ તાળવે ચોંટી રહ્યો છે. આવામાં સુરતથી મોટું ટેન્શન સામે આવ્યું છે. સુરતમાં વિદેશથી આવેલા એક વ્યક્તિમાં બ્રિટનનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. ત્યારે સુરતના તંત્ર દોડતું થયું છે, સાથે જ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. યુકેથી સુરત આવેલા 3 લોકોના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા. ત્યારે એક કેસમાં બ્રિટનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. આરોગ્ય કમિશનર ડો. આશિષ નાઈકે આપેલી માહિતી પરથી જાણવા મળ્યું હતું કે, યુકેથી આવેલા 3 ના સેમ્પલ ફેબ્રુઆરી મહિનામાં પૂણેમાં મોકલાયા હતા. જેમાઁથી એકમાં બ્રિટનનો નવા સ્ટ્રેઇન જોવા મળ્યો છે. રાંદેર વિસ્તારની વ્યક્તિમાં સ્ટ્રેઇન જોવા મળ્યો છે. ભાગરૂપે વરાછા અને રાંદેર ઝોનમાં 530 ઘરોના 2 હજાર લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાયા છે. તો સાથે જ કોરોનાના કેસ વધતા પાલનપુર, પાલ, વરાછા, સરથાણા સહિતના સુરતના અનેક વિસ્તારોમાં ફરીથી ક્લસ્ટર લાગુ કરવામાં આવ્યું છે.
દરમિયાનમાં કોરોનાના કેસોને વધતા રોકવા અને કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન ઊભી થનારી સમસ્યાઓને કે કટોકટીને પહોંચી વળવા માટે સુરતના આરોગ્ય તંત્ર દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એકાએક આગ લાગે તો દર્દીને કેવી રીતે બચાવવો એ બાબતની તકેદારી લેવાઈ હતી.