સુરત-
શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો જડોવા મળી રહ્યો છે. રોજે-રોજ લૂંટ, હત્યા, હુમલો, રેપ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લુખ્ખાતત્વોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી. રવિવારે રાત્રે સચિન વિસ્તારમાં એક કાપડ વેપારી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં વેપારીની હાલત ગંભર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સચીનના સુડા સેકટર એપરેલ પાર્ક પાસે રહેતા રેડીમેડ કપડાના વેપારી ઉપર રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે તેના જ મિત્રએ દુકાનમાં કપડા ખરીદવા માટે ગયો હતો ત્યારે થયેલી બોલાચાલીમાં દુકાનમાંથી ધક્કો મારી કાઢી મુકવાની અદાવત રાખી અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને મોઢા, પેટ, ખભા સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુ અને છરાના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા. વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના સચીન સુડા સેકટર એરપેર પાર્ક ખાતે રહેતા કાર્તિકભાઈ પર્યલ શાહ ઘર નજીક દિલ્હી ફેશનના નામે રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. શનિવારે કાર્તિકની દુકાનમાં તેનો જ મિત્ર અનિલ ઉર્ફે અનિલ કોમેડી સપકાળે (રહે, સચીન સ્લમબોર્ડ) કપડા ખરીદવા માટે આવ્યો હતો, તે વખતે કાર્તિક અને અનીલ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં કાર્તિકે તેને ધક્કો મારી દુકાનમાંથી કાઢી મુક્યો હતો. જેની અદાવત રાખી અનિલ કોમડીએ તેના મિત્ર મુકેશ ઉર્ફે બાલમુંડી પાત્ર (રહે,સચીન સ્લમબોર્ર્ડ), લાલા ઉર્ફે રાજ દેવીદાસ સુહાર (રહે, સુડા આવાસ) અને એક અજાણ્યા સાથે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે કાર્તિક શાહને તેના ઘર પાસે એપરેલ પાર્કના ગેટ પાસે આંતરી ઉભો રાખ્યો હતો અને મોઢા, પેટ, ખભા સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુ અને છરાના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાસી ગયા હતા. આ ઘટના બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને કાર્તિકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે કાર્તિકની પત્ની કમુબેનની ફરિયાદ લઈ આરોપીઓ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી આગળતપાસ હાથ ધરી છે.