સુરત -
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રીના સમયે ધરફોડ ચોરી અને ધાડની ઘટનાઓમાં વધારો થયો હતો. આ ઘટનાઓ વધતા સુરત શહેરની સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેનત કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં કોમ્બિંગ ચાલુ હતુ તે દરમિયાન કેટલાક શંકાસ્પદ ઇસમો દેખાતા પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તેમની તલાશી લેતા તેમની પાસેથી રોકડ રકમ અને દાગીના મળી આવ્યા હતા. જે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ ગેંગ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, ડીસા, વલસાડ, વડોદરા અને નવસારીમાં ગુના આચરેલા હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત ભારતના રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, મધ્યા પ્રદેશ પંજાબ ખાતે પણ ઘરફોડ ચોરી અને ધાડ કરી હોવાની સાથે આ ગેંગ આંતર રાજ્ય ગેંગ પણ છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે તમામ આરોપીઓ છેલ્લા 4 મહિનાથી સુરત ખાતે ખુલ્લી જગ્યામાં પડાવ નાખીને રહેતા હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારે આ ગેંગના સભ્યો દેવા પારઘી, રૂકેશ ચોટલી, સચિન પારઘી કાલુ અને રાજકુમાર જે તે વિસ્તારની રેકી કરતા હતા. જે વિસ્તારમાં ચોરી કરવાના હોય તે વિસ્તારમાં રાત્રી પહેલા જ અવાવરૂ જગ્યા ઉપર રોકાણ કરી લેતા ત્યાર બાદ રાત્રીના સમયે અંધારાનો લાભ લઇને તેઓ તમામ ઓજારો લઇને ચોરી કરવા માટે ઘરની બારીના ભાગેથી પ્રવેશતા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ તેઓ ઘરમાં ભોજન કરી ચોરીને અંજામ આપતા હતા. સાથે તેઓ જો કોઇ વિરોધ કરે તો તેના ઉપર જીવલેણ હુમલો પણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેરના 14 જેટલા ગુનાઓનો ભેદ હાલ ઉકેલી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કુલ 1,48,498, રોકડા રૂપિયા 36,000, કાંડા ઘડિયાળ નંગ 8 કિં. રૂા. 1,48,000 અને 8 મોબાઇલ ફોન જેની કિંમત 34,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.