સુરત: નકલી પોલીસ બની માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડની વસૂલાત કરતો શખ્સ ઝડપાયો

સુરત-

રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાનું અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે પરંતુ કેટલાક લોકો રાજ્ય સરકારના નિયમોને ગણકારતા નથી. તેથી આવા લોકો સામે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં જે લોકો માસ્ક પહેર્યા વગર રસ્તા પર જોવા મળી રહ્યા છે તેમની પાસેથી પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પૈસા કમાવવા માટે કેટલાક ઇસમો મોકાનો લાભ ઉઠાવી રહ્યા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી નકલી પોલીસ બની દંડની વસૂલાત કરતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઈસમ જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં માસ્ક વગરના લોકો પાસેથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને દંડની વસૂલાત કરતો હતો. તે સમયે લોકોને આ ઇસમ પર શંકા જતા લોકોએ તેની પૂછપરછ કરી કરી હતી. તે સમયે લોકોને આ ઇસમ નકલી પોલીસ હોવાની જાણકારી મળતાં લોકોએ નકલી પોલીસ બની માસ્ક વગરના લોકો પાસેથી દંડની વસુલાત કરતા ઈસમને પકડી પોલીસને સોંપ્યો હતો. હાલ સરથાણા પોલીસે આ ઇસમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution