સુરત-
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાકાળ બાદ આપઘાતના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક આર્થિક રીતે પરેશાન થઈ તો કેટલાક માનસિક રીતે અથવા શારીરિક પરેશાનીના કારણે આપઘાત કરી લીધો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જો સુરતની વાત કરીએ તો શહેરમાં આપઘાતનો સિલસીલો હજુ રોકાયો નથી. સુરતમાં ચાર આપઘાતના મામલા સામે આવ્યા જેમાં ત્રણ મામલા આર્થિક પરેશાનીના કારણે સામે આવ્યા, તો એક વિદ્યાર્થીનીએ માનસિક પરેશાનીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ આપણે વિદ્યાર્થીના આપઘાતની વાત કરીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પાલીતાણાના વતની હતી અને હાલ સુરતના સરથાણાના યોગી ચોક ખાતે યોગી નગર સોસાયટીમાં રહેતી હાર્મી મુકેશભાઈ વઘાસિયા અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં એફવાય બીકોમમાં એડમિશન લીધું હતું. જોકે કોરોના લઈને જે રીતે અભ્યાસ બગડી રહ્યો હતો, જેને લઈને સતત માનસિક તણાવ અનુભવી રહી હતી, અને ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, શુક્રવારે વિદ્યાર્થીનીએ અચાનક આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં કોઈ નહીં હોવાને લઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડા સમયમાં પરિવારના સબ્યો ઘરે આવ્યા તો દીકરી ગંભીર હાલતમાં ઘરે પડી હતી, તત્કાલીક પરિવારે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિધાર્થીનું કરૂણ મોત થયું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પરિવાર પાસે ઘટનાની માહિતી મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.