સુરત-
સુરત પોલીસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી બદલ સાત લોકોની ધરપકડ કરી છે. હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી છે. આ સાત લોકોમાં એક યુવતી પણ સામેલ છે.
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેરમાં જન્મ દિવસની ઉજવણીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાતથી-આઠ યુવક યુવતીઓ જાહેરમાં કેક કાપીને ઉજવણી કરતા નજરે પડે છે. શરૂઆતમાં આ વીડિયો મગદલ્લા વિસ્તારનો હોવાની વાત વહેતી થઈ હતી. આ મામલે ઉમરા પોલીસે તપાસ કરતાં વીડિયો વેસુ એલ.આઇ.જી. આવાસનો હોવાનું જાણવા મળ્યું હતું.
વેસુ એલ.આઇ.જી. આવાસ સુડામાં રહેતાં ૨૫ વર્ષીય નિકુંજ બળદેવ મોદીનો ૧૪મી ઓગસ્ટે બર્થ ડે હતો. જેની જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
કોરોના સંક્રમણને રોકવા માટે ચાર કરતાં વધુ વ્યક્તિઓએ કોઇ કાર્યક્રમ માટે ભેગા થવા ઉપર પ્રતિબંધ છે. આથી જાહેરમાં થયેલી ઉજવણીને લઇને ઉમરા પોલીસે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ અંતર્ગત ગુનો નોંધીની નિકુંજ મોદી, ભાવિન શરદ પવાર, પરિમલ ગિરીશ શાહ, અલથાણ પુરુષોત્તમનગરના કિશન યોગેન્દ્ર રાજપૂત, પાર્લે પોઇન્ટ અશ્વદીપ સોસાયટીનાં વિશાલ બહાદુર સોની, વેસુ સુમન સાગર આવાસના સૂરજ રાજુ મેઘા, પાલનપુર જકાતનાકા સિલ્વર પાર્ક સોસાયટીના ધવલ વામન કદમની ધરપકડ કરી હતી.