સુરત: પરિવારના 5 સભ્યો નદીમાં ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા રાહતકાર્ય શરૂ

બારડોલી-

મહુવા તાલુકાના કુમકોતર ગામે જોરાવરપીરની દરગાહના માથું ટેકવવા ગયેલા સુરતના પરિવારના 5 સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. પાંચ પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે બેની આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. સુરતમાં લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર મંગળવારના રોજ રીક્ષામાં પરિવારજનો સાથે મહુવા તાલુકાના કુમકોતર ગામે આવેલા જોરાવરપીર દરગાહના દર્શન માટે ગયા હતા. તેમની સાથે માતા રુક્ષનાબી સલીમ શા ફકીર, પત્ની પરવીનબી જાવીદશા ફકીર, રૂક્ષારબી જાફુરશા સલીમશા ફકીર, નાનાભાઈ આરીફશા સલીમશા ફકીર અને તેની પત્ની સમીમબી આરીફશા કુમકોતર દરગાહ પર માથું ટકાવવા ગયા હતા. ત્યાર બાદ પરિવારના સભ્યો નજીકથી પસાર થતી અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન એક પછી એક પરિવારજનો નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જાવીદશાની નજર સામે જ પરિવારના તમામ સભ્યો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બારડોલી ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન માતા રુક્ષાનાબી સલીમશા ફકીર અને પત્ની પરવીનબી જાવીદશા ફકીર મૃતદેહ મળી આવ્યો હતો. બીજા દિવસે સવારે શોધખોળ કરતા ભાભી રુક્ષારબી જાફુરશા ફકીરની પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ પણ સ્થાનિક તરવૈયાઓ શોધખોળ શરૂ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution