સુરત-
સુરતની હજીરા સ્થિત ONGC કંપનીમાં વહેલી સવારે એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ONGC નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી અને સાથે જ સુરત, હજીરા, રિલાયન્સની ફાયરબ્રિગેડ, ક્રિભકો અને NTPCની ટીમ પણ પહોંચી ગઈ હતી. મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં હજીરા વિસ્તારમાં આવેલી ઓએનજીસીના ટર્મિનલ પ્લાન્ટમાં વારાફરતી ત્રણ પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આગ પર કાબૂ લેવા માટે 300 મીટર દૂરથી પાણી-કેમિકલ ફોમનો મારો ચલાવાઈ રહ્યો છે. સુરત આવતી બોમ્બે હાઈ ગેસની પાઈપલાઈનના ટર્મિનલમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર પાઇપ લાઈન પેટ્રોલિયમ લીક્વિડથી ભરાયેલી હતી ત્યારે ઘટના બની હતી. આગ બાદ ચીમનીમાંથી વધુ ગેસ છોડવાનો શરૂ કરાયો હતો. અત્યારે 3 કર્મચારી અને 1 સુરક્ષાકર્મી લાપતા હોવાના સમાચાર મળ્યા છે.
આ આગ એવી તો ભયાનક હતી કે આજુબાજુના ગ્રામજનો ડરી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને કંપનીમાં હાજર કેટલા લોકોને અસર થઇ, કેટલી જાનહાનિ થઇ તે વિશે કોઈ માહિતી મળી નથી પરંતુ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ અને કંપનીની ફાયર ફાઈટરો કામ લાગી ગયા છે.
સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થવાથી આગ લાગી છે. સવારે 3.05 વાગ્યાના અરસામાં 3 બ્લાસ્ટ થયા હતા. હાઇડ્રો કાર્બન ગેસ લીકેજથી આગ લાગી છે. જોકે, હાલ જાનહાની અંગે કહી શકાય તેમ નથી. મુંબઇથી આવતી મેન લાઇનમાં આગ લાગી હોવાથી હાલ આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. ગેસને ડિપ્રેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇડ્રો કાર્બન પ્રાકૃતિક ગૅસ છે.મુંબઈ મેન લાઈન અઢીસો કીલોમીટરની છે. પાઇપલાઇનના તમામ 52 વોલ્વ તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ONGCના ત્રણ કર્મચારીઓ હાલ લાપતા છે, જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.