નકલી એનએ કૌભાંડમાં સંડોવાયેલા કુતબી રાવતની ધરપકડ પર સુપ્રીમનો સ્ટે, હાજર થવા ફરમાન

રાજ્યભરમાં ચકચાર મચાવનાર દાહોદનો બોગસ એનએ હુકમ કૌભાંડના મુખ્ય સુત્રધાર શૈશવ પરીખના સાગરીત કુતબી રાવતની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પોલીસ ધરપકડ ટાળવા માટે દુબઈમાં ફરાર થયેલો કુતબી વોરંટ ઈશ્યુ થવા છતાં હાજર નહીં થતાં તા.૨૦મી બાદ તેની મિલકતો ટાંચમાં લેવાશે તેવું તંત્ર દ્વારા અલ્ટિમેટમ અપાતાં જ ફફડ ઉઠેલાં કુતબીએ સુપ્રંીમ કોર્ટમાં દાદ માગી હતી, જેમાં શરતોને આધિન તેની ધરપકડ પર સ્ટે અપાયો હતો.

 દાહોદના બહુચર્ચીત નકલી એનએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈશવ પરીખ સાથે ગ્રાહકો શોધીને લાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવીને આર્થિક કૌભાંડ આચરનાર દાહોદના કુતબી રાવત અને રામુ પંજાબી પોલીસ ધરપકડ ટાળવા માટે દાહોદથી ફરાર થઈ ગયા છે. આ બનાવમાં બંને આરોપીઓની ધરપકડ અત્યંત મહત્વની હોઈ પોલીસે આ બંનેની ઘનિષ્ટ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસે આ બંને વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યા હતા. તેમજ પોલીસ કે કોર્ટ સમક્ષ હાજર થવા માટે સૂચના આપી હતી.

પોલીસે સીઆરપીસી ૮૨ મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરી આ બંને આરોપીઓના રહેણાંક મકાને તેમજ જાહેર સ્થળોએ જાહેરાતના પોસ્ટરો લગાવ્યા હતા. તેમજ બંને આરોપીઓ જાે આગામી દિવસોમાં પોલીસ કે કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેઓની મિલકતો તા.૨૦મી ડિસેમ્બર તંત્ર દ્વારા ટાંચમાં લેવામાં આવશે. તેવી ગત ૨૧મી નવેમ્બરે દાહોદના ડીવાયએસપી ભંડારીએ અલ્ટિમેટમ આપ્યુ હતું. બીજીતરફ અત્રેથી ફરાર થઈને દુબઈમાં આશરો લઈ રહેલો કુતબી દાહોદ પોલીસની કામગીરી પર સતત નજર રાખી રહ્યો છે અને અઠવાડિયા બાદ પોલીસ પોતાની મિલકતો ટાંચમાં લેશે તેવી જાણકારી મળતાં જ તેણે મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી ના થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.એનએ કૈાભાંડના સૂત્રધાર બાદ મુખ્ય આરોપી મનાતા કુતબી રાવતે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી. તે દેશમાં પરત ભરવા માગે છે માટે પોલીસ તેની ધરપકડ ના કરે તેવી અરજ કરી હતી. આ અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કુતબી રાવત પોલીસ તપાસમાં સહકાર આપે અને ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહે તેવી શરતો સાથે તેની ધરપકડ પર સ્ટે આપ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution