ભારતમાં જાતિ આધારિત ભેદભાવ કોઈ નવી વાત નથી. પરંતુ જેલ મેન્યુઅલમાં કેદીઓ સાથે વ્યવહારની જાેગવાઈઓમાં જાતિગત વિચારસરણી હોય તો તે ચોક્કસપણે ચિંતાજનક અને પરિવર્તન માંગી લેતો વિષય છે. એક પત્રકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઘણા રાજ્યોની જેલોમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કેસની સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે કહ્યું- જેલમાં જાતિ આધારિત ભેદભાવ ખતમ થવો જાેઈએ.
આ કેસની સુનાવણીમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. બેન્ચે કહ્યું કે વાસ્તવિક સ્તર પર જે પણ થાય છે તેને બદલવાની જરૂર છે. કારણ કે આવી ભેદભાવભરી પ્રથાઓમાં સામેલ ન થવાની સૂચનાઓ હંમેશા રાજ્યો દ્વારા અનુસરવામાં આવતી નથી. સીજેઆઈએ ટિપ્પણી કરી કે ધરાતલ પરની વાસ્તવિકતા બદલવી પડશે. અમે અમારા ર્નિણયોમાં ભેદભાવ કરનારાઓને જવાબદાર ઠેરવીશું. જાે કે કોર્ટે આ મામલે પોતાનો ર્નિણય હાલ પૂરતો અનામત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં આ મામલે કેન્દ્ર સરકાર અને ૧૧ રાજ્યોને નોટિસ પાઠવી હતી. બેન્ચે આ મુદ્દાની ગંભીરતા સ્વીકારી હતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને મદદ કરવા માટે બોલાવ્યાં હતાં. પત્રકાર સુકન્યા શાંતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જેલની બેરેકમાં મજૂરી બાબતે પણ જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવે છે. અરજીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઓડિશા, ઝારખંડ, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની જેલ મેન્યુઅલમાં જાેવા મળતી ભેદભાવપૂર્ણ જાેગવાઈઓને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ ડૉ. એસ મુરલીધર અને વકીલ પ્રસન્ના એસ અને દિશા વાડેકર હાજર રહ્યાં હતાં. આ કેસમાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ પણ કોર્ટને મદદ કરી હતી.
માત્ર કેન્દ્ર સરકાર અને અન્ય ચાર રાજ્યો ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશે કેન્દ્રની નોટિસ પર પોતાનો જવાબ દાખલ કર્યો.
જાે કે, મોટાભાગના રાજ્યોએ જાતિ આધારિત ભેદભાવને નકારી કાઢ્યો છે અથવા ભેદભાવપૂર્ણ પ્રથાઓને ન્યાયી ઠેરવી છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ, ગૃહ મંત્રાલયે રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી અને તેમને આ પ્રથાઓ દૂર કરવા નિર્દેશ આપ્યો. તેની એડવાઈઝરીમાં, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોડલ જેલ મેન્યુઅલ, ૨૦૧૬નું પાલન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જાે કે, કેન્દ્ર સરકારે મોડેલ જેલ મેન્યુઅલમાં ઘણા મુદ્દાઓને અવગણ્યાં હતાં, જે અંગે અરજીમાં વિગતવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. કોર્ટે બુધવારની સુનાવણીમાં જેલ મેન્યુઅલની ખામીઓની પણ નોંધ લીધી હતી. જાે કે મોડેલ જેલ મેન્યુઅલ સ્પષ્ટપણે જાતિના આધારે મજૂરી પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ તે મોટાભાગના રાજ્યોમાં પ્રચલિત વિચલિત જાતિઓ અને વિચરતી સમુદાયોના સભ્યોના અન્ય ભેદભાવપૂર્ણ વર્ગીકરણ અંગે મૌન છે. આ સંદર્ભમાં યુપી જેવા રાજ્યે સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે તેની જેલોમાં જાતિ આધારિત ભેદભાવ છે.
સુપ્રિમ કોેર્ટે હાલમાં આ ચુકાદો મુલતવી રાખ્યો છે.
ભારતીય સમાજમાં ઉંચનીચના ભેદભાવે સમાજ અને દેશને ઘણું નુકશાન પહોંચાડ્યું છે. તેના કારણે કેટલીક જાતિઓ અન્યાયનો ભોગ સદીઓથી બનતી આવી છે. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન અનેક મહાપુરુષોએ આ ભેદભાવ સમાજમાંથી નાબુદ થાય તે માટે પુષ્કળ પ્રયત્નો કર્યા હતા. અને સ્વતંત્રતા પછી બંધારણમાં તમામ ભારતીય નાગરિકોને સમાન ગણવામાં આવ્યા છે. પરંતુ સદીઓ જુની પરંપરાઓ જે જાતિગત ભેદભાવ માટે કારણભુત છે તે જનમાનસમાં રૂઢ થઈ ગઈ છે. કાયદા દ્વારા સમાનતાનો અધિકાર અપાયો હોવા છતાં સમાજમાં પરિવર્તન હજી પણ આવ્યું નથી. આ માટે માત્ર કાયદાઓ જ નહીં, પરંતુ સામાજીક સ્તર પર માનસ પરિવર્તન માટે પણ પ્રયાસો થવા જાેઈએ.