13, જાન્યુઆરી 2021
ગાંધીનગર-
ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ખેડૂતો પાસેથી તુવેર, રાયડો અને ચણાની ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે જયેશ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવનું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી આપવામાં આવ્યું છે. જો કોઈને પેમેન્ટ બાકી હશે તો બે ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે. ડાંગર અને મકાઈની ખરીદીની તારીખો લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન તુવેરની નોંધણી કરાવી શકાશે. આ નોંધણી ગ્રામ્ય સ્તરે પણ કરી શકાશે. જે બાદમાં જેમણે પોતાની તુવેરની નોંધણી કરાવી હશે તેમની તુવેરની ખરીદી પહેલી ફેબ્રુઆરીથી પહેલી મે સુધી કરાશે. 105 માર્કેટિંગ યાર્ડ મારફતે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે.
ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. જે બાદમાં 16મી ફેબ્રુઆરીથી 16મી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઠ 5,100 રૂપિયાના ભાવે 188 ખરીદી કેન્દ્રો પરથી ચણાની ખરીદી થશે. રાયડા માટે ખેડૂતો પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. 16મી ફેબ્રુઆરીથી 16મી જૂન સુધી રાયડાની ખરીદી ક્વિન્ટલ દીઠ 4,650 રૂપિયાના ભાવે કરવામાં આવશે. આ માટે 99 માર્કેટિંગ યાર્ડ નક્કી કરાયા છે.