સૂર્યનાં નક્ષત્રો અને શેરબજાર

૨૭ નક્ષત્રોમાં ત્રીજું નક્ષત્ર છે કૃતિકા. તેનો સ્વામી છે સૂર્ય. બારમા નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની અને એકવીસમા નક્ષત્ર ઉત્તરાષાઢાનો સ્વામી પણ સૂર્ય જ છે.શેરબજારમાં સૂર્ય સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શેરબજાર એ જાહેર ક્ષેત્ર છે અને જાહેર ક્ષેત્રમાં સૂર્યની ભૂમિકા હંમેશાં વિશેષ રહે છે. સૂર્યને નેતૃત્વ અને ભીડ, આ બંને ગમે છે અને જે લોકો શેરબજારમાં છે તે સારી રીતે જાણે છે કે અહીં નેતૃત્વ તથા ભીડનું એક આગવું મહત્ત્વ છે!

 તમારી કુંડળીમાં એકલો સૂર્ય બળવાન હોય અને બીજા બધા ગ્રહો ર્નિબળ હોય તો પણ તમે શેરબજારમાં ભાગ્યને અજમાવી શકો છો! અલબત્ત, તમારી કુંડળીમાં જાે કાલસર્પયોગ હોય તો ક્યારેક બળવાન સૂર્ય પણ નિષ્ફળ સાબિત થાય છે. એ સિવાય સામાન્ય સંજાેગોમાં સૂર્યનું બળ તમને શેરબજારમાં સફળ સોદાગર બનાવે છે.

 સૂર્ય સ્વર્ણ, નાણાં, શિક્ષણ અને સત્તાના ક્ષેત્રમાં હંમેશાં સફળતા અપાવે છે. એની સાથે જાે મંગળ પણ શુભ હોય તો ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા મળે છે. સૂર્ય અને બુધ ભેગા હોય અને બંને શુભ હોય તો માનવ પોતાના બુદ્ધિ કૌશલ્ય, વાણી કૌશલ્ય અને વેપાર કૌશલ્ય દ્વારા સારી એવી કમાણી કરી શકે છે.

 અને જાે કુંડળીમાં સૂર્ય અને ગુરુ શુભ હોય તો તે બંને ભેગા મળીને શેરબજારમાં અચૂક સફળતા અપાવે છે.

 તમારી કુંડળીમાં સૂર્ય પ્રથમ, પાંચમા, નવમા, દસમા કે અગિયારમા સ્થાનમાં હોય અને રાહુથી ગ્રસિત ના હોય તો તમે શેરબજારના સોદાઓ દ્વારા સારામાં સારી કમાણી કરી શકો છો. છઠ્ઠા સ્થાનમાં રહેલો સૂર્ય રોજના સોદાઓમાં લાભ આપે છે પરંતુ તેમાં નક્ષત્રો પ્રમાણે સોદાઓ કરવા અત્યંત આવશ્યક હોય છે. એ જ રીતે આઠમા સ્થાનમાં રહેલો સૂર્ય પણ લાભ આપી શકે છે પરંતુ તેમાં સટ્ટાથી બચીને રહેવાનું હોય છે તેમજ નક્ષત્રોને પણ ધ્યાનમાં રાખવાનાં હોય છે.

 તમારો સૂર્ય શુભ હોય અને સૂર્યના નક્ષત્રોમાં અથવા અધિમિત્ર નક્ષત્રોમાં જાે તમે સોદાઓ કરો તો તેમાં લાભ થવાની શક્યતાઓ મહત્તમ હોય છે. શુભ સૂર્ય રાજનીતિ, સરકારી નોકરીઓ, જાહેર સંસ્થાઓ, જાહેર જીવન, સુવર્ણનો વ્યવસાય, વિજ્ઞાન, શરીરશાસ્ત્રના વિષયો, આંખને લગતો તબીબી વ્યવસાય વગેરેમાં સારી સફળતા આપે છે.

 તમારો સૂર્ય જાે અશુભ હોય તો તે શેરબજારના સોદાઓ માટે નુકસાનકારક સાબિત થાય છે. તેમાં પણ જાે તે શનિની દૃષ્ટિમાં હોય અથવા રાહુથી ગ્રસિત હોય તો તે સટ્ટા તરફ દોરી જાય છે અને ખોટના સોદાઓ દ્વારા માનવને પાયમાલ કરી મૂકે છે. તમારો સૂર્ય સારો હોય પરંતુ કુંડળીમાં શનિ ઉચ્ચનો હોય તો શનિની મહાદશામાં સોદાઓ કરતાં તમારે ખૂબ સાચવવું જાેઈએ. તમે શેરબજારના ગમે તેવા નિષ્ણાત હો અને આજ સુધી ગમે તેટલો નફો કર્યો હોય તો પણ તે તમારી ગણતરીઓને ઊંધી વાળી શકે છે. તેમાં પણ શનિની અંદર જાે રાહુની આંતરદશા આવતી હોય તો તમે સટ્ટા દ્વારા અત્યાર સુધીની તમામ કમાણી ગુમાવી દો તે પણ શક્ય છે.

 નક્ષત્રોની દ્દષ્ટિએ જાેઈએ તો સોમવાર, મંગળવાર અને ગુરુવાર દરમ્યાન સૂર્યના નક્ષત્રોમાં સૂર્યને લગતા વિષયોના શેર્સમાં સોદા કરવાથી લાભ થઈ શકે છે. બુધવારે પણ શુભ સૂર્યનો લાભ લઈ શકાય છે પરંતુ તેમાં જાેઈ-જાળવીને જ સોદા કરવા જાેઈએ. શુક્રવારે પણ શુભ સૂર્યનો લાભ જાેઈ-સમજીને જ લેવો. ટૂંકમાં તમારો સૂર્ય સારો હોય તો બુધવારે અને શુક્રવારે કદી આંધળા સોદા કરવા નહીં કે સટ્ટો રમવો નહીં.

 મેં હંમેશાં જાેયું છે કે જાે તમારો સૂર્ય સારો હોય અને તમે સોમવાર, મંગળવાર તથા ગુરુવારે સમજદારીપૂર્વક સોદા કરો તો તેનાથી તમને ઘણો લાભ થઈ શકે છે. અહીં સૂર્યને લગતા વ્યવસાયોની યાદી આપી છે. જાે તમારો સૂર્ય સારો હોય તો તમે આ વ્યવસાયો સાથે જાેડાયેલા શેર્સના સોદાઓમાં લાભ કમાઈ શકો છો.

 સૂર્યને લગતા વેપારોઃ સોનાનો વેપાર. નાણાંકીય સંસ્થાઓ. સરકારી-અર્ધસરકારી કંપનીઓ. જાહેર જીવન. જાહેર સંસ્થાઓ. વહીવટી સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થાઓ. શિક્ષણક્ષેત્ર. ધાર્મિક વસ્તુઓનો વેપાર. ઇલેક્ટ્રોનિક્સ. સોલર એનર્જી. વિજ્ઞાન સાથે સંલગ્ન વેપાર. આંખોને લગતો તબીબી વ્યવસાય. શરીરશાસ્ત્ર. સંશોધન. અનાજ-કરિયાણાં. જંગલની પેદાશો. ચર્મોદ્યોગ. કાપડ.

 અહીં હું એક વાત ફરી કહીશ. તમારો સૂર્ય સારો હોય અને તમે શેરબજારમાં સારું કમાઈ રહ્યા હો તો શેરબજારને શેરબજાર જ રહેવા દેજાે. એને ક્યારેય સટ્ટાબજાર બનાવશો નહીં. શેરબજાર તમને લાભ આપશે જયારે સટ્ટાબજાર તમારો બધો જ લાભ છીનવી લેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution