વાઘોડિયા : વાઘોડિયાની પારૂલ યુનિવર્સીટીમા ફિઝીયોથેરાપીમા અભ્યાસ કરતી ૨૩ વર્ષીય હર્ષિતા મનીચંદ્રા વેન્ટાંપ્રગરડા(રહે. ૪૪-૧૭-૧૭/૪ તોહટાવિઘી જી. ઈસ્ટ ગોદાવરી, આંધ્રપ્રદેશ) ગત રાત્રે ૧૧.૩૦ વાગે તેના પરિચિત ૧૯ વર્ષીય સાંઈકુમાર રેડ્ડી તુમાટી (પત્તાગુડમ ,મંાડલ, તેલંગાણા) સાથે ડિઓ મોપેડ પર પાછળ બેસી વડોદરા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ શ્યામલ કાઊન્ટી પાસેના પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા તે સમયે તેઓની પાછળથી પુરપાટ ઝડપે આવેલા ક્રેટા કારના ચાલક ૨૩ વર્ષીય પ્રાથ્વીક હાડાએ મોપેડને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં મોપેડસવાર હર્ષીતા અને સાંઈકુમાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા જયારે પ્રાથ્વીકે પણ કારના સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર શ્યામલ રેસીન્ડસી પાસે ઘુસી જઈ થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ધીરજ હોસ્પિલટમાં ખસેડાયા હતા જયા હર્ષિતાનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કારચાલક પ્રાથ્વીકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બેભાનવસ્થામાં ખસેડાયો હતો જયાં તેની હાલત પણ ગંભીર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથ્વીક પણ વાઘોડિયાની સુમનદિપ વિદ્યાલયમાં એમબીબીએસનો અભ્યાય કરતો હોવાની અને હાલમાં કોલેજ કેમ્પસમાં રહેતો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. આ બનાવની પારુલ યુનિ.માં એડમીશન કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા માધવરેડ્ડીએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં કારચાલક પ્રાથ્વિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.