ગોત્રી મેડિકલ કોલેજમાં તબીબ વિદ્યાર્થીનો આપઘાત

વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હોવાના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે. જાે કે મોતનું કારણ જાણવા ગોરવા પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબ વિદ્યાર્થી સિદ્ધાર્થ જી.ભદ્રેચા (ઉં.વ.૨૨) અભ્યાસ કરતો હતો. હાલ કોરોનાની મહામારીમાં તેને કોવિડની ડ્યૂટી સોંપવામાં આવી હતી. ગત તા.૩૦-૪-૨૦૨૧ના રોજ તેની ડ્યૂટી પૂરી થઇ હતી. સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર ડોક્ટર પણ હાલ કોવિડની ડ્યૂટી કરી રહ્યો હતો.

ગત રોજ સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર મોડી રાત્રે કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવવા ગયો ત્યારે બંને વચ્ચે વાતચીત થઇ હતી. જાે કે, ત્યારે બધુ સામાન્ય લાગતું હતું. આજે સવારે પાર્ટનર રૂમમાં પરત ફર્યો ત્યારે તેણે દરવાજાે ખખડાવ્યો હતો, પરંતુ સિદ્ધાર્થે દરવાજાે ખોલ્યો ન હતો. પ્રથમ સિદ્ધાર્થ ઊંઘતો હશે તેમ માનીને રૂમ પાર્ટનરે તેને ફોન કરવાનું અને દરવાજાે ખખડાવવાનુ ચાલુ રાખ્યું હતું, તેમ છતાં અંદરથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતાં તે ચિંતિત હતો.

બીજી તરફ હોસ્ટેલના રૂમના દરવાજામાં ઉપરથી મિજાગરો મારવામાં આવ્યો હતો. એટલે તેને ધક્કો મારીને ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરવાજાે નહીં ખૂલતાં તબીબી વિદ્યાર્થીએ દરવાજાની નીચેથી મોબાઇલનો ફ્રન્ટ કેમેરાનો ભાગ અંદર નાખી ફોટો લીધો હતો. ફોટો લીધા બાદ કેમેરો બહાર કાઢી જાેતાં સિદ્ધાર્થે જીવન ટૂંકાવ્યાનું ધ્યાને આવ્યું હતું. આ બનાવના પગલે અન્ય વિદ્યાર્થોઓ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ વોર્ડનને કરી હતી. આ મામલે ગોરવા પોલીસને જાણ કરાતાં તાત્કાલિક સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિદ્ધાર્થ પાસેથી સુસાઇડ નોટ કબજે કરી હતી. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધાર્થના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવતાં તેઓ વડોદરા આવવા માટે નીકળી ગયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution