સુરત, અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કેમ્પમાંથી જે પ્રકારની નીતિગત જાહેરાતો થઇ રહી છે, ખાસ કરીને હંગામી ધોરણે અમેરિકામાં રહેતા નોનઅમેરિકનો માટે નીતિમાં બદલાવની કરવામાં આવેલી જાહેરાતોને કારણે અમેરિકા અભ્યાસ માટે ગયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં સોંપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ હાલ અમેરિકાનાં જુદા જુદા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓનાં અનેક વિદ્યાર્થીઓ ડિસેમ્બર તેમજ આગામી જાન્યુઆરી મહિનામાં સુરત સહિત પોતાના વતનમાં આવવાનું આયોજન ધરાવતા હતા. પરંતુ દિવાળી બાદથી જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે બીનનિવાસી અમેરિકનો માટે નીતિઓમાં જડમૂળથી બદલાવ કરવાની જાહેરાતો કરવા માંડી છે એટલે ભારતીય વિદ્યાર્થીઓનાં કેમ્પમાં ફફડાટ મચી ગયો છે કે રખેને ટ્રમ્પ સરકાર ચાર્જ લીધા બાદ નીતિ બદલી નાંખે અને વતનમાંથી પરત અમેરિકા ફરવા ના દે એવા ભયથી સુરતનાં અનેક વિદ્યાર્થીઓએ તેમની બુક કરાવેલી વિમાની ટિકીટો ધડાધડ કેન્સલ કરવા માંડી છે.
લગ્નપ્રસંગે આવવાનો હતો પરંતુ અડાજણનાં વિદ્યાર્થીએ ટિકિટ કેન્સલ કરી
અડાજણમાં રહેતા કિરીટ મહેતાએ જણાવ્યું કે તેમનો દિકરો હાલમાં અમેરિકાનાં ફિલાડેલ્ફીયા ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે અને ચાલુ ડિસેમ્બર મહિનામાં પરિવારમાં એક નજીકના સ્નેહીને ત્યાં લગ્ન પ્રસંગે સુરત આવવાનો હતો. પરંતુ, ફ્લાઇટનાં ચાર દિવસ પહેલા જ ટિકીટ કેન્સલ કરાવીને હવે એપ્રિલ-મે મહિનામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકાનાં ભારતીય વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે ટ્રમ્પ સરકાર રાતોરાત નીતિ બદલી શકે છે અને ભારતથી પરત અમેરિકા ના પહોંચવા દે તો સમગ્ર કારકિર્દી સામે જાેખમ ઉભું થાય તેમ છે.
વરાછાનાં ૧૫ વિદ્યાર્થીઓએ ટિકિટોનું બુકિંગ કેન્સલ કરી દીધું
સુરતનાં વરાછા વિસ્તારમાંથી એક સાથે ૧૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રિસમસથી ઉત્તરાયણ દરમિયાન અમેરિકાથી વતન સુરતમાં આવવાના હતા એ તમામે પણ વિમાની ટિકીટોનું બુકિંગ કેન્સલ કરાવી લીધું હોવાનું જાણવા મળે છે. તેમના સુરત ખાતેના સગાએ પણ એ જ વાત કરી કે ટ્રમ્પ સરકાર નીતિઓમાં બદલાવની વાતો કરી રહી છે, ચાર્જ લીધા પછી એ ગમે તે કરી શકે, આવી સ્થિતિમાં અમેરીકા છોડીને સુરત આવવાનું જાેખમ લેવાય નહીં એ હિસાબે બધા છોકરાઓએ પોતાની સુરતની વિઝિટ હાલ તુરત માંડી વાળી છે.