સ્ટિલ આઈ રાઇઝ!!

હાર નહીં માનૂંગા,

રાર નહીં ઠાનૂંગા,

કાલ કે કપાલ પે લિખતા મિટતા હૂં

ગીત નયા ગાતાં હૂં...

પૂર્વ વડાપ્રધાન અને કવિ અટલ બિહારી વાજપેયીની કવિતાની આ પંક્તિઓ મનુને બરાબર સૂટ થાય છે! પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરની સફળતાની કહાની મળેલી નિષ્ફળતા પછી જ શરૂ થાય છે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ દરમિયાન ખરાબ પ્રદર્શનને કારણે પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહેલી ભારતીય શૂટર મનુ ભાકરે ક્યારેય હાર સ્વીકારી નહીં. પોતાની જાતને સતત મોટિવેટ રાખવા માટે મનુએ તેનાં ગળાના પાછળના ભાગમાં 'સ્ટિલ આઈ રાઇઝ' ટેટૂ કરાવ્યું હતું. અને ૨૦૨૪માં આજે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ભારતની પ્રથમ મહિલા શૂટર બની ગઈ છે.

મનુની કહાની કંઈક એવી છે. ૨૦૨૦ ઓલિમ્પિક (૨૦૨૧માં ટોક્યોમાં યોજાયો હતો)માં મનુ ભાકર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તે અપેક્ષાઓ સામે ૧૯ વર્ષની મનુની હિંમત ક્ષીણ થઈ ગઈ હતી. તે મેડલની રેસમાં પણ ભાગ લઈ શકી ન હતી. કોઈ પણ ઈવેન્ટમાં મેડલ રાઉન્ડ સુધી પહોંચી શકી ન હતી. આ મનુની ઉગતી કારકિર્દી વખતે જ સૌથી કપરા સંઘર્ષ હતો.

હારની નિરાશા વચ્ચે મનુ ભાકરને શૂટિંગની રમતથી કંટાળો આવવા લાગ્યો હતો, પછી તેણે બોક્સિંગ, એથ્લેટિક્સ, સ્કેટિંગ, જુડો અને કરાટે જેવી રમતોમાં નસીબ અજમાવ્યું હતું! પણ નસીબ કોઈ એવા મુકામ પર લઈ જવાનું હતું જે ઇતિહાસ રચવાનો હતો.

૨૦૧૬માં મનુએ નક્કી કર્યું કે શૂટિંગ જ તેનું ભવિષ્ય છે, ત્યારે મરીન એન્જિનિયરની જાેબ કરતા તેના પિતા રામકિશન ભાકરે તેમની નોકરી છોડી દીધી હતી અને પુત્રીના સપના પૂરા કરવા માટે દિવસ-રાત એક કરી દીધાં હતા. ૨૦૧૭ની નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ૧૦ મીટર એર પિસ્તોલમાં વિશ્વની નંબર વન હીના સિદ્ધુને હરાવી હતી. ૨૦૧૮માં મહિલા વર્લ્ડ કપમાં મનુએ એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુમાં પ્રતિભા હતી, તેને ખીલવવાની જરૂર હતી. મનુએ ૧૦ મીટર એર પિસ્તોલમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન મેક્સીકન શૂટર અલેજાન્દ્રા ઝવાલાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૯માં મનુએ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોટા હાંસલ કર્યો હતો.

જાે કે, મનુએ હજુ મોટી પરીક્ષાઓ પાસ કરવાની હતી. ટોક્યો ઓલિમ્પિકમાં દરેકની નજર મનુ ભાકર પર હતી, પરંતુ એક ઇવેન્ટમાં તેની પિસ્તોલ ખરાબ થઈ ગઈ અને તે પછી તેનું આખું ઓલિમ્પિક અભિયાન પાટા પરથી ઉતરી ગયું હતું.

અપેક્ષાઓના વાદળ પર સવાર થઈ ચૂકેલી મનુ ભાકર તેની નિષ્ફળતાને પચાવી શકી ન હતી અને તેનો દોષ તેના તત્કાલિન કોચ જસપાલ રાણા પર મૂક્યો હતો. ભૂતપૂર્વ શૂટર રાણાએ તેને મનુની અપરિપક્વતા ગણાવી હતી અને બંને અલગ થઈ ગયા હતા.

આ પછી મનુ ભાકરનો રમતગમત પ્રત્યેનો શોખ ઘટવા લાગ્યો હતો. ઘણા મીડિયા ઈન્ટરવ્યુમાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે શૂટિંગ છોડીને અભ્યાસ માટે વિદેશ જવાનું નક્કી કરી લીધું છે. જાે કે, પેરિસ ઓલિમ્પિકનો સમય નજીક આવી રહ્યો હતો એ વખતે મનુએ ફરી એક વખત પોતાને લાસ્ટ ટાઈમ તક આપવાનો વિચાર કર્યો હતો.

'સ્ટિલ આઈ રાઈઝ'નું ટેટુ તેનાં ગળા પર હતું જ. મનુ માટે જીવનનો આ સૌથી મૂંઝવણ ભરેલો દૌર હતો. એક દિવસ મનુએ એવો ર્નિણય લીધો હતો, જેની તેની આસપાસના કોઈને પણ અપેક્ષા નહોતી. મનુએ તેમનાં કોચ જસપાલ રાણાને કોલ કર્યો હતો! પેરિસ ઓલિમ્પિકના બરાબર એક વર્ષ પહેલા જસપાલ રાણાને ફોન કરી મદદ માટે વિનંતી કરી હતી. જસપાલ રાણા મનુને ના પાડી શક્યા ન હતા.

મનુની નજીકના લોકોએ જસપાલ રાણા પાસે ફરો કોચિંગ નહીં લેવાની સલાહ આપી હતી, પરંતુ એક વર્ષમાં ચાર કોચ અજમાવનાર મનુ ભાકરને એવું તો સમજાઈ ગયું હતું કે માત્ર જસપાલ રાણા જ તેનું ભાગ્ય બદલી શકે છે.

તેણે પેરિસ ઓલિમ્પિક પહેલા એમ પણ કહ્યું હતું કે માત્ર જસપાલ રાણા જ તેને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર કરી શકે છે. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરના બ્રોન્ઝ મેડલ બાદ અનેક મીડિયા સાથે વાત કરતી વખતે જસપાલ રાણાએ કહ્યું હતું કે તેઓ મનુ ભાકરને ના પાડી શક્યા ન હતા, કારણ કે તેમને આશા હતી કે મનુમાં ઈતિહાસ રચવાની ક્ષમતા છે.

આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તે મનુ ભાકરને આપે છે. એક વર્ષના આ સમય દરમિયાન જસપાલ રાણા તેમની એકેડમીના લગભગ સો વિદ્યાર્થીઓને ભૂલી ગયા હતા અને તેમના શબ્દોમાં કહીએ તો મનુ ભાકરે ઓલિમ્પિકની તૈયારી માટે બધું જ આપી દીધું હતું.

આ સમય દરમિયાન મનુ ભાકરને ભારત સરકારના ખેલો ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા બનાવવામાં આવેલી ઈકો સિસ્ટમની પણ મદદ મળી હતી. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સરકારે મનુ ભાકરની ટ્રેનિંગમાં ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અમે તેને ટ્રેનિંગ માટે જર્મની અને સ્વિટ્‌ઝર્લેન્ડ મોકલી હતી.

જસપાલ રાણા પેરિસના સ્પોર્ટ્‌સ વિલેજમાં મનુ ભાકર સાથે તેમના અંગત કોચ તરીકે હાજર છે અને દરેક ઇવેન્ટ માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરાવે છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની ગઈ છે. એટલું જ નહીં, હવે તો એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની સિદ્ધિ પણ મનુ ભાકરે હાંસલ કરી લીધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution