સમજીને ડગલું ભરવું

 આરતીનાં ઘર પાસે રીક્ષા ઉભાડી મેં પૈસા ચૂકવ્યા ત્યાં આરતી જાગૃત થઈ ચૂકી હતી. અમે એના ફ્લેટનો દાદરો ચડ્યાં ત્યાં એની મમ્મી બાલ્કનીમાં ઊભીને કહે 'આ આવી. મને કેટલી ચિંતા થતી હતી?’

મમ્મીજીનું મોં ખૂબ ચિંતામાં હોય એવું થઈ ગયું હતું. આંખ નીચે કાળાં કુંડાળાં દેખાતાં હતાં. એ સિવાય મમ્મીજી પાતળાં,ગોરાં, દેખાવડાં લાગ્યાં. ખૂબ સાદાં. કાયમ કોઈ ચિંતા કે સ્ટ્રેસમાં રહેતાં હોય એમ એની મુખરેખાઓ કહેતી હતી.

અમે એના ફ્લેટ સુધી પહોંચીએ ત્યાં એના પપ્પાએ દરવાજાે ખોલી નાખેલો અને સામે સોફા પર બેસી અમારી સામે અણગમાથી જાેઈ રહ્યા હતાં.

'ક્યાં હતી આટલી રાત સુધી? છૂટ આપીએ એટલે મોડી રાત સુધી ટાચકવાનું? કાંઈ ડિસિપ્લિન જેવું છે કે નથી?'

એમની વાકધારા ગુસ્સા સાથે વછુટતી રહી હોત પણ મેં જ બ્રેક મારી.

'અંકલ, અમે એની ફ્રેન્ડ નિષ્ઠાને ઘેર સાથે જ હતાં. એની તબિયત ઓચિંતી બગડી એટલે થોડી વાર આરામ કરીને નીકળી. એ તો એકલી જવા તૈયાર હતી પણ હું મુકવા આવ્યો.’

'લે, તે બહેનપણીને ઘેર આટલી બધી વાર? મારો તો જીવ ઊંચો થઈ ગયેલો. અત્યારે કેવું કેવું બને છે છોકરીઓ સાથે?’ એની મમ્મીએ બળાપો ઠાલવ્યો.

આરતી કાંઈ પણ બોલ્યા વગર અંદર એક નાની ઓસરી લાગી તેમાં થઈ અંદર કોઈ રૂમમાં ગઈ લાગી.

'તું તો પેલો તે દિવસે પોલીસ ફરિયાદ કરી ત્યારે આરતી સાથે કાંકરિયા પોલીસ સ્ટેશનમાં હતો એ જ ને? કસ્ટડીમાં રાત કાઢ્યા પછી પણ શાન ઠેકાણે નથી આવી. તું કેમ આરતી સાથે આવ્યો? એ રીક્ષા કે ટેક્ષી કરીને આવી શકી હોત.’ પપ્પાજી અવાજમાં વિચિત્ર કડકાઈ લાવી ગુસ્સાથી બોલ્યા.

આરતી પાણી લઈને દોડતી આવી. એ અંદર કિચનમાં પાણિયારે જ ગયેલી.

'અરે, અરે, પપ્પા, રિલેક્સ. એ મારો ક્લોઝ ફ્રેન્ડ છે અને એક તો મારી તબિયત સારી નહોતી ને પાછી રાત પડી ગયેલી એટલે મેં જ એને મને મૂકી જવા કહ્યું.’ એમ કહેતાં આરતીએ મને એક ચાની રકાબીમાં લાવેલા કાચના ગ્લાસમાં પાણી આપ્યું.

આ ઘરમાં નાની ટ્રે પણ નથી? કેવું?

હું પાણી પીઉં ત્યાં જ એની મમ્મી બોલી, 'આરતી, શું થયેલું તારી તબિયતને વળી પાછું? કેટલી વાર કહ્યું છે કે ભણવા સિવાય ક્યાંય જા નહીં. કઈંક થશે તો અમને કાળી ટીલી ચોંટશે.’

ક્યા પ્રકારના લોકો છે! એ પણ આ મહાનગરમાં! મને થયું.

'આંટી, સાચું કહું તો આરતીને કોઈ પણ ટીલી ચોંટી શકે એમ છે જ નહીં. એ ખાસ કોઈને ઓળખતી નથી સિવાય કે નિષ્ઠા અને હું. અને અંકલ, તમને તો ખ્યાલ છે જ કે આરતીને ક્યારેક ફીટ આવે છે, કદાચ હિસ્ટેરીયાનો એટેક આવે છે. આજે એવું જ બન્યું. એમાં એને એકલી મોકલવાનું કરાય?’

મેં સમજાવ્યું કે આરતીએ જ મને એના ક્લોઝ ફ્રેન્ડ તરીકે સ્વીકાર્યો છે. એની સમસ્યાઓ મેં જાેઈ. મારા એક કાકા જે સાઈકિયાટ્રીસ્ટ છે તેને આરતી સાથે મળ્યો. એમને લાગ્યું કે જે કાંઈ સમસ્યાઓ છે તેનો કાયમી ઉપાય તેને પ્રેમ કરવો અને તેના પ્રત્યે ધ્યાન આપવું. એ જ એની શ્રેષ્ઠ દવા છે.

'એટલે જ હું તેની સાથે તમારે ઘેર આવ્યો. માનશો? નિષ્ઠાએ જ એની કેટલીક વાત કરી. એને તો તમે ઓળખો છો ને!’ મેં કહ્યું.

આમ ઘરનાં લોકોને સ્થિતિ સમજાવી. તેનું માતાજી આવવા પાછળનું સાચું કારણ માનસિક દબાણ અને આઘાતોની પરંપરા હોઈ શકે તે કહ્યું. તે ખૂબ ભાવુક છે પણ સાથે સ્માર્ટ અને બુદ્ધિશાળી પણ છે તેવું મારૂં મંતવ્ય ઘરની વ્યક્તિઓને જણાવ્યું.

'એટલે તું એનો બોડીગાર્ડ થયો, ખરું? આરતી પાછળ ફરવાનું રહેવા દે ભાઈ, અમે આ એનું છેલ્લું વર્ષ પૂરું થાય એટલે પરણાવી દેવાનાં છીએ.’ પપ્પાએ કહ્યું.

'હા. હું એનો બોડીગાર્ડ થયો. બીજાે કોઈ નહીં ને હું. એને નજીકથી હું ઓળખું છું. એમ તો અમે બે ખૂબ સારાં, કલોઝ ફ્રેન્ડ છીએ. અને એને પરણાવવા તમારે કોઈ છોકરો તો જાેવો પડશે ને?’

'એટલે તું તને એનો ઉમેદવાર ગણે છે, એ..મ?'

'હું ગણું કે ન ગણું. આરતીને જ પૂછજાે. એ મને ઉમેદવાર ગણે છે કે શું ગણે છે.’

'શું..ઉં..? શું બોલ્યો? આ તો માંકડને મોં આવ્યું!'

( આ રૂઢી પ્રયોગ છે જૂની સોરઠી ભાષામાં. એનો અર્થ મોટા સામે હેસિયત ન હોય એવો નાનો માણસ દલીલ કરે એવો છે.)

'ના. માંકડને નહીં. વસાવડાને મોં આવ્યું. હું વિનય વસાવડા. બી.ઇ. આઈ.ટી.નાં છેલ્લાં વર્ષમાં છું અને કોલેજમાં ભણું છું. આરતી મને એનો ક્લોઝ ફ્રેન્ડ ગણે છે. પ્રેમમાં છીએ એમ ગણવું હોય તો એમ. એટલે ઉમેદવાર હું મને ગણાવું એ કરતાં આરતીને જ પુછો.’ મેં મક્કમ અવાજે કહ્યું.

આવા માણસને ઉંમરનો બાધ ન રાખી આખાબોલા થઈ કહી જ દેવાય.

'આરતી સાથે તમારે ક્યાંથી ઓળખાણ? તમે તો એની કોલેજમાં નથી.'’મમ્મીએ કહ્યું.

મને તેને મંદિરમાં માતાજી આવ્યાં ત્યારે લોકોના સામુહિક અઘટિત સ્પર્શોમાંથી બચાવેલી એ કહેવાનું મન થયું.

બાજી આરતીએ જ સંભાળી લીધી. હવે તે બહાર આવીને એક ખૂણે ગો ગો ચેરમાં બેસી ગયેલી.

'બે ચાર વાર પેલાં માતાજીનાં મંદિરમાં મળેલાં ત્યારે ઓળખાણ થઈ. પછી નિષ્ઠા અને પ્રતીતિ સાથે નવરાત્રીમાં ગયેલી ત્યારે મળ્યાં. એની સાથે વાતચીતનો સારો સંબંધ છે. (વાતચીતનો! ઠીક બચાવ કર્યો તેં, મેં મનમાં કહ્યું.) એ ખૂબ હેલ્પફુલ અને કેરીંગ માણસ છે. આજે પણ એને મેં જ કહેલું કે મારી સાથે આવો. મને એની ઉપર ભરોસો છે. પપ્પા, જેને કહીએ કે જેમ ઓફ એ મેન..’

'હા.. આ.. આ..! જેમ ઓફ એ મેન. ન જાેયો હોય તો. અરે લોકો આમ જ છોકરીઓને ફસાવી..’

'અંકલ..' મેં બરાડો પાડ્યો.

અંકલ એક ક્ષણ ડઘાઈ મારી સામે જાેઈ રહ્યા અને ચૂપ થઈ ગયાટ.

આરતી કહે 'પપ્પા, પ્લીઝ. આજે એ ન હોત તો મારું શું થયું હોત એ કહી શકાય એમ નથી. તમારે હું કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ હોત ત્યાં દોડવું પડ્યું હોત. આ તો નિષ્ઠા હતી અને આ વિનય સાથે હતા તો સાજીસમી ઘેર આવી. મહેમાનને વિવેકથી ટ્રીટ ન કરો તો પણ આવી રીતે ન કહો. પ્લીઝ.’

'મહેમાન..’ પપ્પાજીએ મોં મચકોડયું અને અંદર જવા ઉભા થઈ ગયાં.

'ભઈલા વિનય, આરતી અમારી એકની એક અને જુવાન દીકરી છે. સાપનો ભારો કહેવાય. એની ચિંતામાં અમે અર્ધાં થઈ જઈએ છીએ.’ મમ્મી તંગ અવસ્થામાં ભવાં ચડેલાં રાખી બોલ્યાં.

'મમ્મી, એ અર્ધાની અર્ધી કે પા પણ ચિંતા હું મારી પર લઈ શકીશ તો મને ખુશી થશે. બેફિકર રહો. હું આરતીનો બેસ્ટ ફ્રેંડ બની રહીશ. અને આરતીને કોઈ ફસાવી શકે એમ નથી.’(કોણ નવરું હોય મારા સિવાય! મેં મનમાં કહ્યું.)

'મમ્મી, હું શાંતિથી બધી વાત કરીશ. મને ઓચિંતો વાઈ કે ફેફરું કહે છે એવો એટેક આવેલો. નિષ્ઠાનાં મમ્મી, પપ્પા શહેરમાં ગયેલાં. નિષ્ઠા સ્વાભાવિક રીતે ગભરાઈ ગયેલી. આ તો વિનય સાથે હતા એટલે બાજી સંભાળી લીધી.’ એણે કહ્યું અને રૂમની બહાર જતાં મારી તરફ જાેયું. હું સમજ્યો. સિગ્નલ કે હું નીકળું. હું ઊભો થયો. એ વાળ અને સ્કર્ટ સરખાં કરતી મેઇનડોર ખોલી પેસેજમાં ગઈ.

હું એની પાછળ બહાર નીકળ્યો.

‘વિનય, આપણે શાંતિથી મળશું. પપ્પા ગમે તેમ બોલી જાય પણ મનમાં કશું રાખતા નથી. એના વતી હું તમારી માફી માંગુ છું. એઝ ઓફ નાવ ગુડ નાઈટ.’ એણે કહ્યું.

એ હવે સંપૂર્ણ સ્વસ્થ હતી.

'વિનય, અમે આરતીની ચિંતામાં હજુ જમ્યાં નથી. ગળે કોળિયો કેમ ઉતરે? તમે પણ જમી લો અમારી સાથે.’ અમારી પાછળ બહાર આવી મમ્મીએ આગ્રહ કર્યો. એ ઠાલો આગ્રહ હતો એ હું સમજી શક્યો.

'ના. એવી ખેંચ રાખવાની જરૂર નથી. હું નીકળું. બાય આંટી.’ મેં કહ્યું અને આમ તો દરેક મોટી ઉંમરની વ્યક્તિને નમતો નથી, આંટીને સહેજ ડોક નમાવી પગે લાગ્યો. આંટીએ ટચાકા ફોડી દખણાં લીધાં. એમની આંખો ભીની થયેલી હું ટ્યુબલાઈટના પ્રકાશમાં જાેઈ શક્યો.

ન કહેવાની ઈચ્છા હતી પણ મારાથી મોટેથી 'ગુડનાઈટ અંકલ' કહેવાઈ ગયું. અંકલનો ઠંડો, રુક્ષ અવાજ 'ગુડનાઈટ’ અંદરથી આવ્યો.

આરતી મને મુકવા બહાર દાદરાના પેસેજમાં આવી. સાઈડનાં ઘરનું બારણું થોડું ખુલ્યું અને એ ઘરની ગૃહિણીએ સાવ સહેજ ડોકું કાઢ્યું. અત્યારે એણે બારણાંની તડમાંથી જાેયે રાખ્યું.

આરતીએ, એ ભલે જાેતી, કરી મારા હાથ પર હાથ મુક્યો અને 'પછી મળશું. ગુડનાઈટ’ કહ્યું. મેં એ પાડોશણની અવગણના કરી આરતીને હળવું આલિંગન આપ્યું અને રવાના થયો.

મને એ કુટુંબની ઓળખાણ થઈ ગઈ.

વિનય, તું વિચારી લે તારે હવે કોણ જાેઈએ છીએ. આરતી કે નિષ્ઠા?

મેં માર્ક કર્યું કે મને પોતે સામેથી જ એક નામે બોલાવતી થયેલી આરતીએ આજે મારા વિશે અને મને માનવાચક સંબોધન કરેલાં.

એથી શું? વિનય, બરાબર વિચારી લે આગળ ડગલું ભરતા પહેલાં. મેં મને કહ્યું.

ક્રમશઃ

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution