અમદાવાદ : ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ ૨૫મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.
જેને પગલે વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-૯થી ૧૦ની સાથે ધોરણ-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦%ની જગ્યાએ ૩૦% કરાયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦% કરવામાં આવ્યું છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં ૫૦% બહુવિકલ્પ પ્રશ્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ ૯થી ૧૨ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે. જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં ૫૦ ટકા એમસીકયું(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-૯થી ધોરણ-૧૨માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઇવ ડોટ ઓઆરજી પર પણ આ વિગતો મુકવામાં આવી છે.
ધો.૧૦માં ગણિતના એકથી વધુ પાઠયપુસ્તક રાખવા ભલામણ
ગાંધીનગર : ધો.૧૦માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સૌથી વધુ અનુતીર્ણ થાય છે. એનસીઈઆરટીનું ગણિતનું પુસ્તક ભારેખમ અને કંટાળાજનક હોવાથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના ગણિતના પરિણામને સુધારવા માટે ધો.૧૦માં ગણિત એક નહીં પરંતુ બે-ત્રણ પાઠયપુસ્તક સ્વરૂપે હોવા જાેઈએ તેવી ભલામણ સાથેની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે ધો.૧૦માં ગણિતના વિષયમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે ગુજરાત માટે શરમજનક હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેમાં દરેક રાજ્યોને પોતાનું ગણિતનું પાઠયપુસ્તક રચવા અને ભાર વિનાનું ભણતર બને તે માટેની હિમાયત કરવામાં આવી છે. આ સ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય સહેલો બને તે પ્રકારનું પાઠયપુસ્તક તૈયાર કરવું જરૂરી છે, પરંતુ કમનસીબે એનસીઈઆરટીનું અઘરૂ અને અષ્ટમ-પષ્ટમ ભાષાંતરવાળું ભારેખમ પુસ્તક ધો.૧૦માં અમલમાં લાવવાથી અનેક વિદ્યાર્થીઓ માટે ગણિતમાં પાસ થવું મુશ્કેલ બની રહ્યું છે. ગત વર્ષે જે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે તેમાં સૌથી વધુ સંખ્યા દીકરીઓની છે. આ સ્થિતિમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ બે ગણિત વિષય દાખલ કરવાનો જે ઠરાવ કર્યો છે તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાબંધની માગણી કરવામાં આવી છે તેમજ શિક્ષણ કેડરના નિવૃત્ત ઉચ્ચ શિક્ષણ અધિકારીઓની રૂબરૂ રજૂઆતને ધ્યાને લઈને ધો.૧૦માં ગણિતના પાઠયપુસ્તકમાં ફેરફાર કરી ગણિતના બે પુસ્તકોને અભ્યાસક્રમમાં દાખલ કરવા જરૂરી છે તેવી માગ જીસીઈઆરટીના પૂર્વ નિયામક ડો.નલીન પંડિત દ્વારા કરવામાં આવી છે.