અમદાવાદ-
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આવા સમયમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વધુ એક ચોંકાવનારૂં નિવેદન કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વધુ એક નિવેદન કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. હિન્દુત્વ અંગેના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા પર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગૌમાતા હજારો વર્ષથી પૂજનીય છે અને વર્ષોથી આપણે ગૌમાતાને માતાની જેમ જ પૂજીએ છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા પર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારીમાં બેઠકને સંબોધન કરતાં સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈ પશુ કે પ્રાણીને રાષ્ટ્રીય જાહેર કરવું તે અધિકાર ભારત સરકારનો છે. ભાજપની કારોબારી બેઠકમાં નીતિન પટેલે આ નિવેદન આપીને હિન્દુત્વ બાદ હવે નીતિન પટેલના ગૌરક્ષા નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 27 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભારત માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે ત્યાર બાદ દેશમાં ધર્મ નિરપેક્ષતા, લોકસભા અને બંધારણ નહીં બચે અને બધું જ હવામાં ઉડાવી દેવામાં આવશે અને હિન્દુઓ જ્યાં સુધી બહુમતીમાં છે ત્યાં સુધી જ બધાં સુરક્ષિત છે. તો બીજી તરફ, PM મોદીના જન્મદિવસ પર રામ મંદિરોમાં આરતી કરાશે તેવી જાહેરાત કારોબારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કારોબારી બેઠકમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, તા.17મી સપ્ટેમ્બરના રોજ સાંજે સાંજે વાગે રામમંદિરોમાં આરતી થશે. રાજ્યના 7,100 ગામોમાં આવેલા રામમંદિરમાં સાંજે આરતીનો કાર્યક્રમ યોજાશે. દરેક ગામના રામમંદિરમાં આરતી કરવામાં આવશે. જે ગામમાં રામ મંદિર ન હોય તો તે ગામમાં ભગવાન રામનો ફોટો મૂકી આરતી કરવી તેમ પણ તેમણે જણાવ્યું હતું.