સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માટે રાજ્ય ચૂંટણીપંચની ગાઈડલાઈન જાહેર

અમદાવાદ, કોરોના સંકટ વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે રાજ્યના ચૂંટણી પંચે પણ જીવલેણ વાઈરસના સંક્રમણથી બચવા માટે કેટલીક ગાઈડલાઈનો જાહેર કરી છે. આથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડ લાઈનનું પાલન કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડોર ટૂ ડોર પ્રચાર માટે માત્ર ૫ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શક્ય હોય, ત્યાં સુધી ડિજિટલી અભિયાન કરવા સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ સિવાય કોરોના સંક્રમિત ઉમેદવારે ઓનલાઈન ડિજિટલી પ્રચાર કરવાનો રહેશે. આ માટે નોડલ અધિકારીઓને સમગ્ર કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે, રાજ્ય ચૂંટણી પંચ તરફથી મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ૬ મહાનગર પાલિકા, ૮૧ નગર પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ફેબ્રુઆરીના અંતમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ સાથે જ રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે.

વિવિધ પાર્ટીમાં ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધુ છે. ભલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાતની આ ચૂંટણીઓ પર ટકેલી રહેશે. આ ચૂંટણી વર્ષ ૨૦૨૨માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, અસદ્દૂદિ ઓવૈસીની એઆઈએમઆઈએમ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. જેના કારણે આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution