૨૦૨૪ના પહેલા છ માસિકમાં સ્ટાર્ટઅપ્સે લગભગ ૪૦-૫૦% છટણી કરી


મુંબઈ,તા.૧૭

ભારતીય સ્ટાર્ટઅપ્સે છેલ્લાં દોઢ વર્ષમાં ૪૬ હજાર કર્મચારીને છૂટા કર્યા છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો સ્ટાર્ટ અપ્સે ૧૦ હજાર લોકોની છટણી કરી છે. ૨૦૨૩ના બીજા ત્રિમાસિકમાં તેઓએ ૧૫ હજાર અને પહેલા છમાસિકમાં ૨૧ હજાર કર્મચારીને પાણીચું આપ્યું હતું. આ માહિતી સ્પેશિયલાઇઝ્‌ડ એક્ઝિક્યુટિવ સર્ચ અને એડ્‌વાયઝરી ફર્મ લોન્ગહાઉસ કન્સલ્ટિંગના આંકડા દ્વારા બહાર આવી છે. લોન્ગહાઉસ કન્સલ્ટિંગના ચીફ એક્ઝિક્યુટિવ અંશુમાન દાસના કહેવા પ્રમાણે વિવિધ તબક્કામાં મર્યાદિત ભંડોળ વચ્ચે સ્ટાર્ટઅપ્સ અત્યારે પણ મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળી શક્યાં નથી. છેલ્લા ૬ મહિનામાં સ્વિગી, ઓલા, કલ્ટફિય, લિશિયસ, પ્રિસ્ટિનકૅર અને બાયજૂસ જેવાં વેન્ચર ફંડેડ સ્ટાર્ટઅપ્સે ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓને છૂટા કર્યા છે. ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવી કેટલીક સૌથી મોટી કન્ઝ્‌યુમર ઇન્ટરનેટ કંપનીઓએ પણ કર્મચારીઓની સંખ્યા ઓછી કરી છે. તમામ સ્ટાર્ટ અપમાં છટણી ૭-૧૫% વચ્ચે આંકવામાં આવી છે.આ વર્ષે સ્ટાર્ટ અપ દ્વારા કર્મચારીઓને છાને ખૂણે નોકરીમાંથી છૂટા કરવાની એટલે કે સાયલન્ટ લેઑફની ગતિ બેવડાઈ હોવાનું જાેવા મળ્યું છે. ૨૦૨૪ના પહેલા છમાસિકમાં સ્ટાર્ટઅપ્સે લગભગ ૪૦-૫૦% છટણી ચૂપચાપ કરી હતી જ્યારે ગયા વર્ષે આ જ છમાસિકમાં અંદાજે ૨૦% કર્મચારીઓને ચૂપચાપ છૂટા કરાયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution