એક પક્ષીને કારણે શરૂ થયો...ગિનીસ વર્લ્ડ રેકર્ડ !

લેખક: દીપક આશર | 


આપણે નાના હતાં ત્યારે શું કર્યું? ખૂબ તોફાન કર્યાં, પડોશીઓને પજવ્યાં, બારીના કાચ તોડ્યાં, ઝાડ પર ચડીને જમરૂખ ખાધાં, કેરીઓ તોડી, પણ આજની આ પેઢી કંઈક જુદું કરી રહી છે. કદાચ આપણે જે કર્યું તેની વાત કરશું તોપણ તેઓને હસવું આવશે. અમદાવાદનો ટાબરિયો અરહમ તલસાનીયા આપણે કર્યું એવું કંઈ નથી કરતો! તે કમ્પ્યુટર, લેપટોપમાં કોડિંગ કરે છે! અને એટલે જ તે સૌથી યુવા કમ્પ્યુટર પ્રોગ્રામર બની ગયો છે. આટલું જ નહીં તેણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં નોંધાવી દીધું છે! જનરેશન નેક્સ્ટ કહેવાતી આ પેઢીમાં અરહમ એક જ ગુજરાતનો ટાબરિયો નથી. ઘણાં ટાબરિયાંઓ મોટેરાંઓને પણ શરમાવે એવાં કામ કરી રહ્યાં છે.

ખરેખર આ ટાબરિયાંઓ જે રેકર્ડ કર્યો છે એ ગિનીસ રેકર્ડ આવ્યો છે ક્યાંથી? આવાં તમે અનેક રેકર્ડ વિશે સાંભળ્યું હશે, પણ આ રેકર્ડ જેમાં નોંધાઈ છે એ ગિનીસ વર્લ્ડ રેકર્ડ બુકનો જન્મ કેવી રીતે થયો હતો? પહેલાં તેનો ઈતિહાસ જાણીએ. ભારતથી લગભગ ૮ હજાર કિમી દૂર યુરોપમાં એક દેશ છે, આયર્લેન્ડ. આયર્લેન્ડમાં ૧૮મી સદીમાં એક શરાબ બનાવનારાનો જન્મ થયો હતો. તેનું નામ હતું આર્થર ગિનીસ. આયર્લેન્ડની રાજધાની ડબલીનમાં તેણે લગભગ વર્ષ ૧૭૫૯ની આસપાસ ગિનીસ બ્રુઅરી મતલબ કે, શરાબ બનાવવાની ભઠ્ઠી ખોલી હતી. હાલ આ પૌરાણિક ભઠ્ઠી બ્રિટિશ શરાબ કંપની ડિયાજિયોનો એક હિસ્સો બની ગઈ છે. ૧૯૯૦ના દસક પહેલાં આ એક ઇન્ડિપેન્ડન્ટ કંપની હતી. ગિનીસ બ્રુઅરીમાં એક મેનેજિંગ ડિરેક્ટર હતાં, તેનું નામ હતું હ્યૂ બીવર.

ટાઇમની વેબસાઇટમાં જણાવ્યાં મુજબ, નવેમ્બર, ૧૯૫૧ની આ ઘટના છે. હ્યૂ પોતાનાં મિત્રો સાથે એક હન્ટિંગ ટ્રીપ પર હતો. તે મિત્રો સાથે આયર્લેન્ડના કાઉન્ટી વૈક્સફર્ડ વિસ્તારમાં હતો. અહીં તેણે ગોલ્ડન પ્લોવર નામના એક પક્ષીનો શિકાર કરવાની કોશિશ કરી હતી, પણ તે નિશાન લગાવી શક્યો ન હતો. પરિણામે બીવરે કહ્યું કે, તેને લાગે છે ગોલ્ડન પ્લોવર નામનું આ પક્ષી યુરોપનું સૌથી તેજ ગેમ બર્ડ છે. ગેમ બર્ડ એવાં પક્ષીને કહેવાય છે જેને ખાવા માટે ગેમના એક ભાગ તરીકે શિકાર કરવામાં આવે. આ મુદ્દે બીવરની તેમનાં મિત્રો સાથે દલીલ થઈ ગઈ હતી. આ દલીલનો કોઈ સટિક નતીજાે બહાર આવ્યો ન હતો. નતીજાે એટલાં માટે બહાર ન આવ્યો કારણ કે, તેઓને પોતાપોતાની દલીલોને સપોર્ટ કરે એવી કોઈ રેફરન્સ બુક મળી ન હતી, જ્યાં બીવરની દલીલનો જવાબ હોય.

બસ ત્યારે જ બીવરના દિમાગમાં એક સવાલ સળવળવા માંડ્યો હતો કે, આવાં સવાલોના જવાબ માટે એક બુક હોવી જાેઈએ. સાથે તેને આ આઇડિયા ગિનીસના પ્રમોશન માટે પણ સટિક લાગ્યો હતો. વર્ષ ૧૯૫૪માં બીવરે લંડનના બે જાેડિયા ભાઈઓને બોલાવ્યાં હતાં. આ ભાઈઓનું નામ હતું નોરિસ મેક્વિર્ટર અને રોસ મેક્વિર્ટર. બંને ફેક્ટ ફાઇન્ડિંગ રિસર્ચર હતાં. આ બંને ભાઈઓને કામ સોંપવામાં આવ્યું કે, આ રીતના ફેક્ટ શોધી કાઢો, જેમાં સૌથી ઝડપી, સૌથી લાંબું, સૌથી ઠિંગણો વગેરે વગેરે હોય. અને પછી આ બધાં ઇન્ટરેસ્ટિંગ સવાલોના જવાબો સાથે એક બુક તૈયાર કરવામાં આવે.

મેક્વિર્ટર બ્રધર્સે ગિનીસ બુક લખવા માટે લંડનમાં એક ઓફિસ શરૂ કરી હતી. અઢળક રિસર્ચ પછી વર્ષ ૧૯૫૫માં પહેલીવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકડ્‌ર્સ પબ્લિશ થઈ હતી. પબ્લિશ થયાંનાં થોડાં મહિનાઓમાં જ સુપર ડુપર હિટ થઈ હતી. લગભગ ૫૦ હજાર કોપી બીજી વખત છાપવી પડી હતી. એ પણ ચપોચપ વહેંચાઈ ગઈ હતી. સમજાે કે, એ પછી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકડ્‌ર્સ દર વર્ષે પ્રસિદ્ધ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડસે ઘણી વખત વિશ્વમાં સૌથી વધુ વેંચાયેલી બુક તરીકે ખુદ એક રેકર્ડ બનાવ્યો છે.

બુકની પહેલી એડિશનની જ્વલંત સફળતા પછી દર વર્ષે મેક્વિર્ટર બ્રધર્સ આ બુક પબ્લિશ કરતાં હતાં.મેક્વિર્ટર બ્રધર્સ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયાં હતાં. મેક્વિર્ટર બ્રધર્સ પછી વિદેશોમાં અમુક ટીવી શોનો હિસ્સો પણ બનવા લાગ્યાં હતાં. ૧૯૭૫માં રોસ મેક્વિર્ટરની હત્યા કરી નાખવામાં આવી હતી. જાેકે, એ પછી પણ બુકનું પબ્લિકેશન ચાલતું રહ્યું હતું. વર્ષ ૧૯૯૯ સુધી તેને વર્લ્ડ રેકર્ડ ઓફ ગિનીસ બુક અથવા તો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ તરીકે ઓળખવામાં આવતી હતી, પણ હવે તેનું નામ બદલીને ગિનીસ વર્લ્ડ રેકર્ડ કરી નાખવામાં આવ્યું છે. બુક શબ્દને હટાવી લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૦માં તેની એક વેબ સાઇટ પણ લોંચ કરી દેવામાં આવી હતી. મતલબ કે, ગિનીસ વર્લ્ડ રેકર્ડે ડિજિટલ દુનિયામાં પણ એન્ટ્રી લઈ લીધી હતી. ત્યાર પછી ગિનીસ વર્લ્ડ રેકર્ડની બુક પણ માર્કેટમાં આવી હતી. હવે તમે પૂછશો કે, કોઈએ ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવવું હોય તો શું કરવું જાેઈએ? વેલ, હવે બધું ઓનલાઇન થઈ ગયું છે. વધારે ભટકવાની જરૂર નથી. તમને એવું લાગતું હોય કે, તમારાંમાં એવું કોઈ ટેલેન્ટ છે, તમે કોઈ કારણે બીજા લોકોથી કોઈક એવી વાતને લઈને આગળ છો, તો ઓનલાઇન અપ્લાઇ કરી શકો છો. તમારી ટેલેન્ટને પરખવામાં આવશે અને પછી જૂનો રેકર્ડ હશે તો તેની સાથે કમ્પેર કરવામાં આવશે. તમે આગળ હશો તો ગિનીસ વર્લ્ડ રેેકર્ડમાં અચૂક સ્થાન મેળવશો. ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં કેવાં પ્રકારના રેકર્ડ નોંધાયેલાં છે, જાણો છો? અજીબોગરીબ રેકર્ડ પણ નોંધાયેલાં છે.

ઉદાહરણ જાેઈએ તો, ભારતના શ્રીધર ચિલ્લાલના નામે હાથની આંગળીઓના સૌથી લાંબા નખનો રેકર્ડ નોંધાયેલો છે. ઇંગ્લેન્ડના ગૈરી ટર્નરના નામે સૌથી વધુ ચામડી સ્ટ્રેચ કરી શકવાનો રેકર્ડ નોંધાયેલો છે. તેઓ પોતાના ચહેરાની ચામડીને વિશ્વના કોઈપણ વ્યક્તિ કરતાં સૌથી વધુ સ્ટ્રેચ કરી શકે છે. આ રીતના અનેક અજીબોગરીબ રેકર્ડ આ ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યાં છે. અને હાં દર વર્ષે આવાં નવાં નવાં રેકર્ડ માટેની એપ્લિકેશન પણ આવતી રહે છે. એપ્લિકેશન આવ્યાં પછી ગિનીસ વર્લ્ડ રેકર્ડના અધિકારીઓ જ તેની ખરાઈ કરે છે. છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે, જેનાં લીધે આ કહાની શરૂ થઈ હતી એ સૌથી તેજ ગેમ બર્ડ ગોલ્ડન પ્લોવર જ છે. તેની નોંધ ગિનીસ વર્લ્ડ રેકર્ડમાં આજે પણ જાેવાં મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution