સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઇ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આગામી ૯ ઓગસ્ટ એટલે કે સોમવારથી શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન અને ઓફલાઇન સ્લોટ બુક કરવાની વ્યવસ્થા અમલમાં રખાઈ છે. સોમનાથ મંદિર શ્રાવણમાં સવારે ૫.૩૦ વાગ્યે ખોલવામાં આવશે. આ સાથે જ સોમનાથ મંદિરમાં થતી ૩ આરતીઓમાં ભાવિક ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. જ્યારે ૫ સોમવાર અને તહેવારોના દિવસોમાં મંદિર સવારે ૪ વાગ્યાથી દર્શન માટે ખોલવામાં આવશે, જે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જણાવી દઈએ કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે, ત્યારે ૯ ઓગસ્ટથી ગુજરાતમાં શ્રવણ માસનો આરંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં પ્રતિદિવસ દેશ-વિદેશના લાખો ભક્તો મહાદેવના દર્શને આવનાર છે, ત્યારે સરકાર દ્વારા શ્રાવણ મહિનાને લઈને કોરોનાની ગાઈડલાઇન્સ જાહેર કરાઇ છે. જેને અનુલક્ષીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિરમાં યાત્રીઓના પ્રવેશ કરવા માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ઓનલાઇન અથવા સોમનાથ મંદિર બહારથી ઓફલાઇન માધ્યમથી શ્રદ્ધાળુઓ પાસ લીધા બાદ જ સોમનાથ મંદિરમાં પ્રવેશી શકશે. આટલું જ નહીં, મંદિરમાં પ્રવેશ માટે માસ્ક ફરજિયાત રખાયું છે અને ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરવામાં આવશે અને સેનેટાઇઝ થઈને શ્રદ્ધાળુ મંદિરમાં જશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution