પેરિસ:ભારતના સ્ટાર રેસલર અમન સેહરાવતે ગુરુવારે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં અજાયબીઓ કરી છે. અમન પુરૂષોની ૫૭ કિગ્રા કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં તેના વિરોધી કુસ્તીબાજને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશી ચૂક્યો છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ૨૦૨૨ના વિશ્વ ચેમ્પિયન અલ્બેનિયાના ઝેલીમખાન અબાકારોવને પુરુષોની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ૧૨-૦થી હરાવ્યો. ભારતના અમન સેહરાવતે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન અબાકારોવને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. એશિયન ચેમ્પિયનશિપ વિજેતા અમન સેહરાવતે બાઉટના બીજા રાઉન્ડની પ્રથમ મિનિટમાં અલ્બેનિયન વર્લ્ડ ચેમ્પિયન અબાકારોવને હરાવ્યો હતો. અમને બીજા રાઉન્ડમાં ૨ઃ૦૪ મિનિટ બાકી રહેતા ૯ પોઈન્ટ બનાવ્યા અને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે મેચ ૧૨-૦થી જીતી લીધી. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે મેચમાં એક ચુસ્ત ચાલ દર્શાવી હતી, જે કુસ્તીની એક એવી ચાલ છે જેમાં એક કુસ્તીબાજ તેના પ્રતિસ્પર્ધીની ઘૂંટી પકડીને તેને ઝડપથી સ્પિન કરે છે, જેનાથી વિશ્વ ચેમ્પિયન અબાકારોવને આશ્ચર્ય થયું હતું. ભારતના સ્ટાર રેસલર અમન સેહરાવતનો સેમિફાઇનલ મુકાબલો આજે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે ૯ઃ૪૫ કલાકે યોજાશે. આ મુકાબલામાં તેનો મુકાબલો રિયો ઓલિમ્પિક ૨૦૧૬ના સિલ્વર મેડલ વિજેતા જાપાનના ટોપ સીડ રેઈ હિગુચીનો થશે. અમન હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો કુસ્તી મેડલ મેળવવાથી માત્ર એક જીત દૂર છે. ભારતના ૧૪૦ કરોડ દેશવાસીઓને આશા છે કે અમન આજે દરેકને ખુશ થવાની તક આપશે.