નવી દિલ્હી:શ્રીલંકાએ મહિલા એશિયા કપ ૨૦૨૪ની ફાઈનલમાં ભારતને ૮ વિકેટે હરાવ્યું છે. ભારત આઠમી વખત એશિયા કપ જીતવાથી ચૂકી ગયું છે અને ઈતિહાસમાં માત્ર બીજીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયાને એશિયા કપની ફાઈનલમાં હારમળી છે. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૧૬૫ રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકન ટીમે ૮ બોલ બાકી રહેતા ૮ વિકેટે જીત મેળવી પ્રથમવાર એશિયા કપની ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ ૨૦ વર્ષમાં પ્રથમ મહિલા એશિયા કપ જીત્યો શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદી ફટકારી હતી. ભારત માટે દીપ્તિ શર્માને એક વિકેટ મળી હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારત માટે સૌથી વધુ રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા, જેણે ૪૭ બોલમાં ૬૦ રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કૌર ખાસ કમાલ કરી શકી નહીં અને ૧૧ રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ અંતિમ છ ઓવરોમાં જેમિમા રોડ્રીગેજ અને રિચા ઘોષે આક્રમક બેટિંગ કરતા ટીમનો સ્કોર ૧૬૦ને પાર પહોંચાડ્યો હતો. રોડ્રીગેજે ૧૬ બોલમાં ૨૯ ત રિચા ઘોષે ૧૪ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી કારણ કે વિશ્મી ગુણારત્ને ૧ રન બનાવી રનઆઉટ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ કેપ્ટન અટાપટ્ટુ અને હર્ષિતા વચ્ચે ૮૭ રનની ભાગીદારી થઈ હતી. અટાપટ્ટુ ૬૧ રન બનાવી દીપ્તિનો શિકાર બની હતી. ત્યારબાદ હર્ષિતા ક્રીઝ પર ટકી રહી અને તેની સાથે કવિશા દિલહારીએ ૧૬ બોલમાં ૩૦ રનની ઈનિંગ રમી હતી. બીજીતરફ હર્ષિતા ૫૧ બોલમાં ૬૯ રન બનાવી અણનમ રહી હતી. મહિલા એશિયા કપની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી અને આ તેની નવમી એડિશન હતી. ભારતીય ટીમ દર વખતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. પરંતુ બીજીવાર તેણે હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૧૮ની ફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને પરાજય આપ્યો હતો.