શ્રીકૃષ્ણ: વિરોધી બાબતોનું સહઅસ્તિત્વ

શ્રીકૃષ્ણ એક સંપૂર્ણ અસ્તિત્વ છે. વિશ્વના બધા જ રંગો તેમનામાં સમાયેલા છે. વિશ્વના બધા જ ભાવ ત્યાં પ્રવર્તમાન છે. સૃષ્ટિની બધી જ સંભાવના શ્રીકૃષ્ણના અસ્તિત્વમાં જાણે એકત્રિત થઈ છે. અહીં સત્ય પણ છે અને અસત્ય પણ, શ્વેત પણ છે અને શ્યામ પણ, પ્રકાશ પણ છે અને અંધકાર પણ. ગીતામાં પણ તેઓ જણાવે છે કે હું અમૃત પણ છું અને મૃત્યુ પણ, સત્ય પણ અને અસત્ય પણ. એક સમજ પ્રમાણે શ્રીકૃષ્ણ એટલે વિરોધી જણાતી બાબતોનું સહઅસ્તિત્વ.

મહાભારતના યુદ્ધમાં તમને ગીતા સંભળાવશે અને ગીતામાં તમને યુદ્ધનો ધ્વનિ સંભળાશે. એક તરફ મધુર વાંસળી છે તો બીજી તરફ પંચજન્ય શંખનો વિકરાળ સિંહનાદ સંભળાશે. એક તરફ સુદર્શન ચક્ર છે તો સાથે વૈજયંતીમાળા પણ છે. એક તરફ વિકરાળ વિશ્વરૂપ છે તો સાથે સૌમ્ય અને સુંદર ચતુર્ભુજ સ્વરૂપ પણ છે. એક તરફ વિશ્વની સમગ્ર મધુરતાના સ્વામી છે તો સાથે અઢાર દિવસ સુધી જાંબુવત સાથે યુદ્ધ કરનાર યોદ્ધા છે. એક તરફ દ્રૌપદી માટે મધુર હાસ્ય છે તો અન્ય તરફ શિશુપાલ માટે ક્રોધાગ્નિના પર્યાય સમાન છે.

અતિ વિસ્તૃત મહાનિબંધમાં પણ સમાઈ શકે તેવી તેમની મધુરતા એક નાનકડા ઊર્મિ-કાવ્યમાં વર્ણવી શકાય. અતિ જ્ઞાની પણ તેમના જીવન-સંદેશનું સંકલન ન કરી શકે પરંતુ એક ભક્ત કવિના ચાર લીટીના પદમાં તે જ્ઞાન જાણે સમાઈ જાય. ઇતિહાસનો ભાગ હોવા છતાં તેમનું અસ્તિત્વ અધ્યાત્મના ક્ષેત્રની ઘટના ગણાય છે. માનવ દેહમાં બાધિત હોવા છતાં તેમનું અસ્તિત્વ વિશ્વવ્યાપી ગણાય છે. લગભગ દરેક પ્રકારના કર્મો આચર્યા હોવા છતાં તેઓ અલિપ્ત રહ્યા છે. સંસારની પ્રત્યેક ઘટનાથી નિર્લેપ હોવા છતાં ધર્મ પ્રત્યેનો તેમનો લગાવ અકલ્પનીય છે. “રણ”માંથી ભાગેલા હોવા છતાં શ્રીકૃષ્ણ અજય ગણાય છે - આ બધી બાબતો જ શ્રીકૃષ્ણને શ્રીકૃષ્ણ બનાવે છે.

સૃષ્ટિના પ્રત્યેક જ્ઞાનના સમન્વય સમા શ્રીકૃષ્ણ શિષ્ય બનીને સાંદિપની ઋષિ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે છે. સમગ્ર જગતને નિયમિત કરનાર, સમગ્ર જગતનું નિયમન કરનાર, કોઈકના નાનકડા રથને પણ ચલાવી જાણે છે. શ્રીકૃષ્ણ સર્વજ્ઞ - સર્વ સમર્થ હોવા છતાં પણ નિયતિને તેના ર્નિણયો લેવા દે છે. સમગ્ર જીવન-સમુહને ભોજનની વ્યવસ્થા કરી આપનાર પોતે ભોજન લેવાની ચેષ્ટા કરે છે, યોગ-નિંદ્રામાં મસ્ત રહેનાર પોતે દ્વારકાના મહેલના શયનકક્ષમાં સૂવાનું નાટક કરે છે. એમણે કશું જ કરવું જરૂરી નથી તો પણ બધું કરે છે. વિરાટ જ્યારે માનવ બને ત્યારે આમ પણ થાય.

શ્રીકૃષ્ણ નામ પણ છે અને વિશેષણ પણ. તે ક્રિયા પણ છે અને કારણ પણ. તે તટસ્થ હોવા સાથે કોઈ એક ચોક્કસ વિચારધારા માટે પ્રેરણા પણ આપે છે. તે “નિષ્ક્રિય” હોવા સાથે કર્મનું મહત્વ સમજાવે છે. તે પોતે નિયમ બનાવે છે અને પછી ભક્તના આગ્રહને વશ થઈ નિયમનું ખંડન પણ કરે છે. જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં અભાવ પણ ભાવ તરીકે પ્રગટે છે. અહીં અસત્ય પણ સત્યનું સ્વરૂપ ધારણ કરે છે. શ્રીકૃષ્ણના નિર્દેશન હેઠળ અધર્મ પણ ધર્મમાં રૂપાંતરિત થઈ જાય છે. અહીં કોઈ વિરોધાભાસ નથી. અહીં માત્ર એક છે અને તે પરમ છે અને તે શ્રીકૃષ્ણ છે.

કૃષ્ણને તમે સુદર્શનધારી કહેશો તો તે તમારી સામે વાંસળી વગાડવા બેસી જશે. તમે તેમની વાંસળી સાંભળવા ઉત્સુક હશો ત્યારે તે કાલિયનાગનું મર્દન કરવા યમુનામાં કૂદકો મારી દેશે. મા યશોદાને બ્રહ્માંડના દર્શન પણ કરાવશે અને તે યશોદાના હાથે જ એક થાંભલા સાથેનું બંધન પણ સ્વીકારશે. ગીતા દ્વારા કર્મનું મહત્વ સ્થાપિત કરશે તો સાથે સાથે ભક્તિ અને જ્ઞાનનો મહિમા પણ જણાવશે. સૂર્ય બનીને શ્રીકૃષ્ણ તપે છે અને ચંદ્ર બની શીતળતા અર્પે છે.

તે મધુર પણ છે અને રૌદ્ર પણ છે. તે જ્ઞાનનો સાગર છે તો કર્મનો મહાસાગર છે. એ રાજકારણી છે અને સાથે પ્રેમાળ કુટુંબીજન પણ છે. તે પ્રેમાતુર અસ્તિત્વ છે અને સાથે અસુરોનો કાળ પણ છે. તે પરિપક્વ મહારથી છે અને સાથે નાદાન બાળક પણ છે. તે પીઢ મુત્સદ્દી છે તો સાથે સાથે વિનમ્ર, કરુણાસભર, સહૃદયી મિત્ર પણ છે. અહીં મધુરતા પણ છે અને ક્રોધાગ્નિ પણ છે. અહીં આવેગ પણ છે અને શાંતિ પણ છે. અહીં જ્ઞાનમાં પવિત્રતા છે અને પવિત્રતા માં જ્ઞાન છે. નાદાન ભાવે કરાયેલી ચોરી પણ તેને માન્ય છે અને સાથે સાથે જરા પણ અધાર્મિકતા તે સ્વીકારી પણ ન શકે. રણ છોડીને ભાગી જનાર ધર્મયુદ્ધમાં ધર્મની સ્થાપના માટે અડીખમ ઊભા રહેવાની પણ વાત શ્રીકૃષ્ણ કરી શકે છે.

ધર્મની સ્થાપના માટે કોઈકની પાસે અસત્ય બોલાવવું તેમને યોગ્ય લાગે છે. તેઓ ધર્મની રક્ષા માટે તેઓ કોઈકની પાસે માથું પણ માંગી લેશે. અભિમન્યુ કે ઘટોત્કચની રક્ષા કરવા સમર્થ હોવા છતાં તેઓ તે પરિસ્થિતિમાં જુદા જ પ્રકારનો ર્નિણય લેશે. સાથે સાથે તેઓ દરેક સંજાેગોમાં અર્જુનની પણ રક્ષા કરશે.

શ્રીકૃષ્ણ જાણવાનો વિષય નથી અનુભવવા જેવું સત્ય છે. વાંચીને શ્રીકૃષ્ણને સમજી ન શકાય, તેમને સમજવા માટે તેમને પ્રેમ કરવો પડે. શ્રીકૃષ્ણની ક્ષમતા સમજવા માટે કાં તો તેમના મિત્ર બનવું પડે કાં તો દુશ્મન. શ્રીકૃષ્ણની મધુરતા સમજવા માટે કાં તો રાધા બનવું પડે કાં તો મીરા. શ્રીકૃષ્ણનું જ્ઞાન પામવા માટે કાં તો અર્જુન બનવું પડે, કાં તો હનુમાનજી કાં તો ઉદ્ધવ. શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા કાં તો સુદામા થવું પડે કાં તો કુબજા. શ્રીકૃષ્ણનો હાથ પકડવા કાં તો સૂરદાસ થવું પડે કાં તો યશોદા. શ્રીકૃષ્ણને પામવા કાં તો જ્ઞાની થવું પડે કાં તો ભક્ત. શ્રીકૃષ્ણનો સ્પર્શ પામવા કાં તો ગાય થવું પડે કાં તો ગોવર્ધન. શ્રીકૃષ્ણને વચને બાંધવા કાં તો દ્રૌપદી થવું પડે કાં તો ઉત્તરા. શ્રીકૃષ્ણના નિમિત્તે ઉદ્ધાર પામવા કાં તો બર્બરીક થવું પડે કાં તો શટકાસુર.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution