ગાંધીનગર ભાજપની પ્રદેશ સહ પ્રવકતા અને મહિલા નેતાએ જ પક્ષની સુરતની મહિલા નેતા સામે ઠગાઇ કર્યાની ફરિયાદ ગાંધીનગર પોલીસમાં નોંધાવી છે. જેમાં ભાજપના પ્રદેશ સહ પ્રવકતા અને મહિલા અગ્રણી ડૉ. શ્રદ્ધા રાજપૂત દ્વારા સુરતના મહિલા નેતા દર્શિની કોઠિયા સામે ગાંધીનગરના સેકટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શ્રદ્ધા રાજપૂતે પક્ષના જ મહિલા નેતા સામે રૂપિયા ૫ લાખ રૂપિયા ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે સેકટર ૨૧ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના પ્રદેશ સહ પ્રવકતા ડૉ. શ્રદ્ધા રાજપૂત ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ તરીકે કાર્યરત છે. ડૉ. શ્રદ્ધા રાજપૂતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૮માં સુરતના પૂણા વિસ્તારના મહિલા અગ્રણી દર્શિની પ્રવિણભાઈ કોઠિયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઇ હતી. ત્યાર બાદ અવાર નવાર ગાંધીનગરમાં મળતા હોવાથી પ્રથમ મિત્રતા અને ત્યાર બાદ ઘર જેવા સબંધમાં બંધાયા હતા. આ દરમિયાનમાં વર્ષ ૨૦૨૨માં દર્શિની કોઠિયાએ શ્રદ્ધા રાજપૂતને કહ્યું હતું કે, મારે બહુ તકલીફ છે, રૂપિયા ૫ લાખની જરૂરિયાત છે. તમે મને રૂપિયા આપો તો હું તમને એક વર્ષમાં રોકડમાં પરત આપી દઈશ. જેથી શ્રદ્ધા રાજપૂતે દર્શિની કોઠિયાને રૂ. પાંચ લાખ આપ્યા હતા. આ રૂપિયા આપ્યા બાદ એક વર્ષ પૂરું થતાં શ્રદ્ધા રાજપૂતે રૂપિયા પરત માંગ્યા હતા. જાે કે, શ્રદ્ધા રાજપૂત દ્વારા દર્શિની કોઠિયા પાસેથી રૂપિયા માટે અવાર નવાર ઉઘરાણી કરી હતી. જેથી દર્શિની કોઠિયા દ્વારા રૂ. અઢી અઢી લાખના બે ચેક શ્રદ્ધા રાજપૂતને અપાયા હતા. આ ચેકને સેક્ટર ૧૬માં આવેલી બેન્કના ખાતામાં જમા કરાવ્યા હતા. પરંતુ દર્શિની કોઠિયાના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક પાસ થયા ન હતા. એટલું જ નહીં, બેન્ક મેનેજરે આ ચેક દર્શિની કોઠિયાને ટપાલ મારફત મોકલી આપ્યા હતા. ખાતામાં પૈસા જમા ન થતાં શ્રદ્ધા રાજપૂતે બેંકમાં તપાસ કરતાં ઉપરોક્ત બાબત જાણવા મળી હતી. જેથી શ્રદ્ધા રાજપૂત દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવા છતાં દર્શિની કોઠિયા દ્વારા રૂપિયા પરત ન અપાતાં શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ મથકમાં દર્શિની કોઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીનગર સેકટર ૨૧ પોલીસ મથકના પીઆઇ વિરેન્દ્ર આર. ખેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.