એલન મસ્કે એક સાથે 143 સેટેલાઈટ લોંચ કર્યા, જાણો ક્યાં-કેવી રીતે

ફ્લોરીડા-

દુનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન અને એનર્જી તથા અવકાશની દુનિયામાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્‌સ લોંચ કરનારા ઈલન મસ્કની કંપની સ્પેસેક્સ દ્વારા રવિવારે એક જ રોકેટ દ્વારા રેકોર્ડ ૧૪૩ સેટેલાઈટ લોંચ કરવામાં આવ્યો હતો. સેટેલાઈટ લોંચ કરવાના મિશનો દુનિયાભરના દેશોને જે રીતે મોંઘા પડે છે, એ જાેતાં આ મિશન માનો કે, ટેક્સીમાં રાઈડ શેર કરવા જેવું છે. આ મિશનને ટ્રાન્સપોર્ટર-૧ નામ આપવામાં આવ્યું હતું.

ફ્લોરીડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન પરથી ટૂ-સ્ટેજ રોકેટ ફાલ્કન-૯ દ્વારા આ સેટેલાઈટ્‌સને અવકાશમાં મોકલી આપવામાં આવ્યા હતા.

સ્પેસેક્સે પોતાના સોશ્યલ મિડિયા અકાઉન્ટ પર લખ્યું હતું કે, ફાલ્કન-૯ રોકેટ ૧૪૩ ઉપગ્રહો લઈને પૃથ્વીની ભ્રમણકક્ષામાં એટલે કે સ્પેસમાં ગયું છે. કોઈપણ સિંગલ મિશનમાં એકસાથે મોકલાયેલા ઉપગ્રહોનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સ્પેસેક્સનો પહેલો સ્મોલસેટ રાઈડશેર પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે.

કંપનીનું કહેવું છે કે, તેણે આ દ્વારા સેટેલાઈટ લોંચ કરવા માંગતી નાની નાની કંપનીઓની અવકાશ સુધી પહોંચ વધારી દીધી છે, અને તે પણ વાજબી કિંમતે. આ કંપની ૨૦૦ કિલો સુધીનો કોઈ અન્ય કંપનીનો ઉપગ્રહ ૭૩ લાખ રુપિયા સુધીમાં લોંચ કરી આપે છે. રવિવારે જે સેટેલાઈટ લોંચ કરવામાં આવ્યા હતા તેમાંથી ૪૮ સેટેલાઈટ અમેરીકા અને જર્મનીના અર્થ ઈમેજીંગ સેટેલાઈટ હતા, ૧૭ કમ્યુનિકેશન સેટેલાઈટ હતા, જ્યારે ૩૦ નાના સેટેલાઈટ હતા. સાથે જ ફાલ્કન-૯ રોકેટે શૂ-બોક્સ સાઈઝના ક્યુબસેટ્‌સ અને ખૂબ ભારે હોય એવા માઈક્રો સેટેલાઈટ્‌સને પણ અવકાશમાં લોંચ કર્યા હતા.

નાસાએ એક બયાનમાં કહ્યું હતું કે, પેલોડ અને સેટેલાઈટની સંખ્યા એમ બંને દ્રષ્ટિએ આ રેકોર્ડ ખૂબ વધારે છે. અગાઉનો રેકોર્ડ ૧૦૮ ઉપગ્રહોનો હતો, જ્યારે ૨૦૧૮માં સાઈગ્નસ મિશન દ્વારા ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. સ્પેસેક્સનો પોતાનો અગાઉનો રેકોર્ડ ૬૪ ઉપગ્રહોનો હતો. આ મિશન પણ ૨૦૧૮માં પૂર્ણ કરાયું હતું. ફ્લોરીડાથી પોલર કોરીડોર રુટનો ઉપયોગ કરનારું ટ્રાન્સપોર્ટર-૧ ૧૯૬૯ પછીનું બીજું મિશન હતું. યાદ રહે કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ પણ ૨૦૧૭માં એક મિશનમાં એક સાથે ૧૦૪ ઉપગ્રહોને લોંચ કર્યા હતા. ભારતે આ મિશન પીએસએલવી રોકેટ દ્વારા પૂર્ણ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution