વાંક-શોધન : એક ગંભીર છતાં રમૂજી વિષય!

જ્યારે બીજા કરે ત્યારે ભૂલ એક ટેસ્ટી અને ચટાકેદાર વાનગી બને છે. એમાંય જાે એનું નુકસાન આપણે ભોગવવાનું ન હોય તો એની લહેજત ઔર વધે છે અને જાે તે ભૂલથી આપણને કોઈ લાભ થતો હોય તો તો વાનગીની સોડમમાં સમજાે સોનું ભળ્યું! ભૈ વાહ!

‘ભૂલ’ એવી બાબત છે જેમાં ખરેખર કોઈ બાબત બને છે, પણ આપણે તો એનાથીયે આગળ ગયા અને એક એવી પ્રવૃત્તિ શોધી કાઢી જેમાં કંઈ બને કે ન બને, આપણને તો કંઈને કંઈ પ્રવૃત્તિ મળી જ રહે. મજાની પ્રવૃત્તિ, મજાનો વ્યવસાય, ન ઈન્વેસ્ટમેન્ટ જાેઈએ, ન દુકાન, ન ઓફિસ, ન કોઈ વિશેષ સાધન-સામગ્રી, ન વિશેષ લાયકાત છતાં ધંધો ચાલે. કરવાનું શું ? તો કે સાવ સરળ, બધા કરી શકે, વાંક-શોધનપ્રવૃતિ, દોષ-દેખનપ્રવૃતિ! અબ આયા ના અસલી મજા!

તમે જિંદગીમાં કેટકેટલાય માણસોને તેમના મનગમતા શોખ વિશે પૂછ્યું હશે અથવા તો જાણતા હશો અને મોટેભાગે જવાબો આવા હશે ઃ હરવું-ફરવું, વાંચવું-લખવું, ફિલ્મો જાેવી, ગીત-સંગીત સાંભળવાં, કંઈક સંગ્રહ કરવું, કોઈ રચનાત્મક કાર્યો કરવાં... પણ શોખ હોય તોય કોઈ એમ નથી કહેતું કે વાંક શોધવા એ તેમની પ્રિય હોબી છે! કારણ કે પ્રોડક્ટ વિશે વાત કરવાની હોય ત્યારે હાઈલાઈટ્‌સમાં તો સારું સારું જ બોલવાનું અને લખવાનું હોય ને, ભઈ!

કોઈના વાંક કાઢવાના બદલામાં ન આમદની મળે છે કે ન કોઈ અવૉર્ડ! ન એનાથી કોઈ સમાજમાં પ્રતિષ્ઠા બંધાય છે કે ના એનાથી કોઈ સુધરી જાય છે!(જાે આ જ હેતુ અને આશય હોય તોપણ!!!) છતાંય બીજાના વાંક શોધવામાં લોકો એટલી મહેનત કરે છે, જાણે ‘કોન બનેગા કરોડપતિ’ જેવા રીયાલીટી શોમાં અમિતાભ બચ્ચનના હસ્તે રોકડા એક કરોડ રૂપિયા જીતવાના ન હોય!

વાંક શોધવાની આ દશાને સમજવા જેવી છે. કેટલીક પ્રજાતિ એવી હોય છે જેમના પર સફળ થવાનો એવો નશો સવાર થાય છે કે તેઓ કોઈ પણ ભોગે સફળ થવા ઈચ્છતા હોય છે. પરંતુ જ્યારે કંઈ ન જડે ત્યારે તેઓ ‘વાંક-શોધન’ પર ફૂલટાઈમ હાથ અજમાવે છે. અને ભાગ્યની દેવી એટલી ક્રૂર નથી કે પછીયે તેમને અસફળતાનાં જૂતિયાં મારે, માટે તેઓ લોકોના વાંક શોધવામાં સફળ થઈ જાય છે.

એમાંય જાે મહાપુરુષોના વાંક હાથ લાગી જાય તો ઠોઠ નિશાળિયાઓ ફુલ્લી પાસ થયા હોય એમ ફૂલાઈ જાય છે! જ્યાં જાત જાેવા અરીસો વપરાવો જાેઈએ ત્યાં કેટલાક લોકો બીજાનો વાંક જાેવા ટેલીસ્કોપ લઈને મચી પડે છે, તો કેટલાક લોકો કસમ ખાઈ લે છે કે જે થવું હોય તે થાય, બંદા પોતાની ભૂલ શોધશે જ નહીં. પછી કકળાટ કરે છે કે લોકો કો-ઓપરેટ નથી કરતાં!

એવું જ નથી કે બધા લોકો બીજાના જ વાંક જુએ છે, કેટલાક પોતાનાય જાેવા પ્રયત્ન કરે છે. (ના, ના, ગાડી પાટા પર નથી આવી, પ્લેન ક્રેશ થવાનું છે!) આમ તો પોતાના વાંક શોધવા માટેના અનેકવિધ તરીકા અને ઉપાય બિઝનેસમેનોએ રૂપિયા રળવા ઉપજાવી કાઢ્યા છે, પણ કેટલીક દુકાન પુરાતનકાળમાંય ખુલ્લી હોય ને! તૃટિ રહી જાય, ભૂલ થાય, ખામી, નબળાઈ, કમજાેરી તમે - જે કહો તે; તે શોધવાનો સૌથી ઈન્ટરેસ્ટીંગ, એકસ્પેન્સીવ અને ડેન્જરસ તરીકો છેઃ પરણી જવાનો! આ એક ઉપાય કર્યા બાદ જે હોય તે દરેક પ્રકારની ખામી, જે નવા જન્મવાના હોય તે બધી રીતના વાંક, જે ન કરી હોય બધીય તરાહની ભૂલ, જે બાપ-જન્મારે ન જાણી-વિચારી હોય તેવી સહુ નબળાઈ તમને તમારો પાર્ટનર જાેરકા ઝટકા ધીમેથી લગાવી તમને જણાવી દેશે! જય હો !

કારણ કે એમ કરતાં-કરતાં આપણે આપણાં અહંકારની પૂર્તિ કરી શકીએ છીએ. શા માટે કરવું ગમે છે, આવું કોઈને ? કારણ કે અંતરનો મુઠ્ઠીભર અણગમો અજંપો પેદા કરે છે! કારણ કે ટી.વી. પર ૩૫૪૬ ચેનલ તો આવે છે, પણ મનોરંજન કરે તેવા ૩ પ્રોગ્રામ આવતા નથી ને મજા કરાવે તેવા બીજા ખર્ચા પોસાતા નથી? કારણ કે લાઈફ પાર્ટનરની તો નામના છે, પણ પોતાને કોઈ પાંચમાં પૂછતું નથી ? કારણ કે ખરેખર રસ પડે, રુચિ જાગે તેવો કોઈ શોખ કેળવાયો નથી?

કારણો હોય કે બહાના, અંતે તો આપણાં મન-મગજની પેદાશ હોય છે, ને તેને આપણે શોધીને ઉકેલવાના હોય છે કે ઉકેલવા માટે યોગ્ય માહિતી-માર્ગદર્શન મેળવવાનાં હોય છે. ક્યારેક ભયંકર તોફાની વિચાર મનમાં ઝબૂકે છે. જાે વાંક શોધવાની પ્રવૃત્તિ કર્યા કરવાથી ઉત્પન્ન થતી ઊર્જામાંથી ઈલેક્ટ્રીસીટી(વીજળી) ઉત્પન્ન થતી હોય, તો ભારતના કોઈ ગામડામાં કોઈપણ વિદ્યાર્થીને દીવાને અજવાળે વાંચવું પડતું ન હોત, એટલું અજવાળું પડતું હોત!

-ઃ ઠ ફેક્ટર ઃ-

જિંદગીમાં એટલી ભૂલો ન કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાયે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution