અમદાવાદ-
ગ્રીનકાર્ડ મેળવવા માટે યુવકે અમેરિકન યુવતી સાથે લગ્ન કરી, ગ્રીનકાર્ડ મેળવી છૂટાછેડા લીધાનું કહીને અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ યુવતીને યુએસ લઈ જવા માટે રૂ.૫૦ લાખની માગ કરી હતી. યુવતી પૈસા ન આપી શકતાં યુવક તેને મૂકીને અમેરિકા જતો રહ્યો હતો. ત્યારબાદ સાસરિયાંએ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. વાસણાના સ્વામીનારાયણ પાર્ક-૨માં રહેતી ક્રિષ્ના પટેલ(ઉં.૩૨)એ લગ્નની વેબસાઈટ પર બાયોડેટા મૂકતાં, ઘાટલોડિયા વાલ્કેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો પિનાંક જીતેન્દ્ર પટેલ પરિચયમાં આવ્યો હતો.
ત્યારે પિનાંક યુએસમાં હતો અને ગ્રીનકાર્ડ માટે રોબેટા ચેન્ટેલી નામની યુવતી સાથે લગ્ન કરી ગ્રીનકાર્ડ આવી જતાં રોબેટાથી છૂટાછેડા લીધાં હોવાનું કહીને પિનાંકે ક્રિષ્ના સાથે માર્ચ-૧૯માં લગ્ન કર્યાં હતા. ત્યારબાદ ક્રિષ્નાને અમેરિકા લઈ જવા માટે તેણે રૂ.૫૦ લાખ માંગ્યા હતા. જાેકે ક્રિષ્ના પૈસા ન આપી શકતા પિનાંક એકલો યુએસ જતો રહ્યો હતો. ત્યારબાદ પિનાંકના પરિવારે દહેજ માટે ક્રિષ્નાને હેરાન કરી ઘરમાંથી કાઢી હતી.
ક્રિષ્નાએ પતિ, સાસુ-સસરા સહિતના સાસરી પક્ષના સભ્યો સામે ફરિયાદ કરી હતી. ક્રિષ્ના અને પિનાંક હનીમૂન માટે સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડ ગયા હતા. જે માટે રૂ.૨ લાખનો ખર્ચો થયો હતો. જાેકે તે પૈસા પણ ક્રિષ્નાના પિતાએ આપ્યા હતા. ત્યારે પિનાંકે એવું કહ્યું હતું કે, લગ્ન માટે હું ઉતાવળમાં અમેરિકાથી આવ્યો છું એટલે પૈસા પણ લાવવાનું ભૂલી ગયો છું.