લો બોલો, કફ્ર્યૂ દરમ્યાન ગલ્લો ખૂલ્લો રાખનાર વેપારીને માર મારનાર બે પોલીસ જવાન સસ્પેન્ડ

વડોદરા-

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે કફ્ર્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં ડીસીપી સંજય કામતે આજે વહેલી સવારે માંજલપુર પોલીસ મથકના બંને પોલીસ જવાન ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણને સસ્પેન્ડ કર્યાં છે. ખાખી વર્દીનો દૂરુપયોગ કરી સામાન્ય વ્યક્તિઓ સાથે ગુડાગીર્દી કરી પોલીસ તંત્રની રહીશહી આબરુના ધજાગરા ઉડાડતા બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.

સરકારના આદેશ અનુસાર રાત્રિ કફ્ર્યૂનું ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘે પણ જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. જાે કે, કેટલીક હદે શહેરમાં રાત્રિ કફ્ર્યૂનો અમલ થઇ રહ્યો છે. જ્યાં કફ્ર્યૂનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ખાખી વર્દીનો દૂર ઉપયોગ કરનાર માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઇ કફ્ર્યૂનો ભંગ કરી પાનનો ગલ્લો ખુલ્લો રાખનારને માર માર્યો હતો. પોલીસ જવાનોના કરતૂતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જવાનોની વધતી જતી લુખ્ખાગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution