બોલો..ગણપતિબાપ્પા...મોરિયા...

પ્રથમ શ્રી ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા

ભગવાન શંકર અને માતા પાર્વતીના આ લાડકા પુત્ર જન જનને વહાલા છે એટલે તો ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘર ઘરમાં તેમની સ્થાપના થાય છે, જેને લોકબોલીમાં કહે છે કે ઘરમાં બેસાડાય છે. જે ઘરમાં પ્રથમેશ મહેમાન બંને છે તે ઘરની તો રૌનક દિવસો અગાઉ બદલાઈ જાય છે ને બાપા ઘરે પધારે ત્યારે તો ઘર ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહના સાવ નવા જ રંગે રંગાઇ જાય છે. ગણેશચતુર્થીનો તહેવાર વાસ્તવમાં લોકમાનસનો ઉત્સવ છે, જ્યારે સામાન્ય જનતા પણ પોતાને સ્પેશિયલ અનુભવે છે કે પોતાના ઘરે પોતાના માનવંતા, લોકલાડીલા દેવ અતિથિ થવા પધાર્યા છે!

વંદન, અર્ચન, પૂજન, કીર્તનથી ભક્તિનો સાગર હિલોળા લે છે, જેમાં સ્નાન કરીને ભાવિક ભક્તો પાવન બની નવા નકોર બને છે, ધરતીના આ ઇહલોક પર ભક્ત અને ભગવાનનો આ એક અલૌકિક સંબંધ છે, જે ભક્તના પોતાના ઘરે રચાય છે ને જેની કાગડોળે રાહ જાેવાય છે! ઘઉંના જાડા લોટમાં ભારોભાર ઘીનું મોણ દઈ મુઠિયા વાળી સમર્પણભાવથી ઘીમાં તળી પછી ઘીથી લસલસતા ચુરમાના લાડુ પર ખસખસના દાણા ભક્તો ભભરાવે છે. જાણે આસ્થાનો અભિષેક કરે છે ને એ ભગવાન આરોગે પછી એ લાડુ પ્રસાદ બને છે, જેને ભક્તો ભક્તિની ભાવનાથી આરોગે છે. અને કેમ નહીં? આ એ જ ગણેશજી છે જેમણે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની હરિફાઈમાં માતા અને પિતાની સાત વખત પ્રદક્ષિણા કરી માવતરના મન જીતી લઇ આશીર્વાદ મેળવ્યા હતા કે કોઈપણ શુભ કાર્યના આરંભ પૂર્વે સૌ પ્રથમ ગણપતિ પ્રથમેશનું પૂજન કરવામાં આવશે. તો આવા મહાન અને સવર્પ્રિય મહાદેવપુત્ર સવિશેષ ન હોય તો જ નવાઈ!

તો ચાલો જાણીએ કે ગજાનનનું ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં પ્રતીકરુપે શું મહત્ત્વ છે? તો એના માટે સાથે દર્શાવેલુ ચિત્ર જાેઈ લો. ચિત્રમાં જાેઈ શકાય છે કે તેઓના પ્રત્યેક અંગ, આયુધ, ચિહ્ન અને સવારી વિશેષ અર્થ અને મહત્ત્વ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાનને મહાભારત સાથે સંકળાયેલા એક મહત્ત્વપૂર્ણ પ્રસંગમાં યાદ કરવામાં આવે છે. મહાભારતના મહાન કાવ્યનું લેખન શરૂ કરવા માટે મહર્ષિ વેદવ્યાસએ ગણેશજીને લેખક તરીકે આમંત્રણ આપ્યું હતું.

કથા એવી છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસ મહાભારતનો મહાન ગ્રંથ લખવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક એવા વ્યક્તિની જરૂર પડી કે જે આ કાવ્યને ઝડપથી લખી શકે. ગણપતિબાપા, જેમને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ માનવામાં આવે છે, એ આ કાર્ય માટે પસંદગી બન્યા.

ગણેશજીએ જણાવ્યું કે તેઓ માત્ર ત્યારે જ લખશે જ્યારે વેદવ્યાસજી એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના કાવ્ય લખાવતા રહેશે. વેદવ્યાસ એ નિયમ માન્ય રાખ્યો પણ તેમણે પણ એક શરત મૂકી કે ગણેશજી કાવ્યને સંપૂર્ણ સમજીને જ લખે. આથી, જ્યારે વેદવ્યાસ કાવ્ય બોલતા, ત્યારે તેઓ સમય-સમયે કઠિન શબ્દો અને પ્રશ્નોના મમરા મૂકી દેતા, જેથી ગણેશજીને એ પ્રશ્નોનો વિચાર કરવાનો સમય મળે અને વેદવ્યાસ આગળની કાવ્ય રચના કરી શકે.

આ રીતે, મહાભારતનો મહાન કાવ્ય લખાતું ગયું તે દરમિયાન કહેવાય છે કે કલમ તૂટી તો નિયમ ભંગ ન થાય માટે ગણેશજી પોતાનો એક દાંત તોડીને પણ પ્રતિજ્ઞા જાળવી રાખી.

સ્ત્રોત્ર, ભજન, શ્લોેક, મંત્ર, ધૂન, લગ્નગીત એવું કેટલુંય ગણેશજી પર રચાયું છે, તેમાંય લખનારને પ્રિય તો “ પ્રથમ શ્રી ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા” ગીત છે.

હવે બોલો, કયા ભગવાનને આમ કહી શકાય કે તમે મોટી ફાંદવાળા છો?! આ આપણી સંસ્કૃતિ અને આપણા દેવના હ્રદયની વિશાળતા તથા મહાનતા છે કે તેમની સાથે ઉપહાસ પણ કરી શકાય.

આ તો થઈ હળવાશની વાત પણ સંતાનને જ્ઞાન, ચાતુર્ય, બુધ્ધિ, સંવેદના, વિવેક, સાહસ ,શ્રધ્ધા અને સમર્પણમાં અગ્રેસર કરવું હોય તો સગર્ભા માતાએ ‘ અથર્વશીર્ષ’ના નિયમિત પાઠ કરવા જાેઇએ.

માનસમાં શિવ પાર્વતી વિવાહમાં પણ ગણેશ પૂજન કરવામાં આવ ેછે, એવા સનાતન દેવ છે ગણેશ. તો ચાલો ટૂંકમાં તેમના અમૂક નામોનો પરિચય લઈ ફિલહાલ વિરામ લઇએ. ગણેશજીના કેટલાક મુખ્ય નામો છેઃ વક્રતુંડ, ગજાનન, એકદંત, લંબોદર, વિનાયક, સિદ્ધિવિનાયક, ધૂમ્રકેતુ, મંગલમૂર્તિ, ગજકર્ણ.

-ઃ ઠ ફેક્ટરઃ-

અઘનાશકં તિર્થયાત્રાક્ષમં

જીવિતેશ્વરં વ્યાધિનાશકં ।।

શિવપૂજકં શંકરાત્મજં

ગણનાયકં વિધિમુસ્તુતે ||

(ગણેશજી પાપોના નાશક, તીર્થયાત્રા માટે યોગ્ય, જીવનના રક્ષક અને વ્યાધિના નાશ કરનારા છે.)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution