નવી દિલ્હી:ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં સુપર-૮ના ગ્રુપ ૨માંથી સેમિફાઈનલમાં પહોંચનારી બે ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ગ્રુપ-૨માં, દક્ષિણ આફ્રિકાએ છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવીને ક્વોલિફાઈ કર્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટુર્નામેન્ટના સહ-યજમાન વેસ્ટ ઈન્ડિઝે આફ્રિકન ટીમને ૧૩૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ તરફથી રોસ્ટન ચેઝે (૫૨ રન) સૌથી વધુ રન બનાવ્યા હતા. આ પહેલા કાયલ મેયર્સે ૩૫ રનની મહત્વની ઈનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ ૩ વિકેટ ઝડપી હતી. વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રણ ઓવર ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને ૧૭ ઓવરમાં ૧૨૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં શરૂઆતના આંચકામાંથી બહાર આવીને આફ્રિકન ટીમે ૧૬.૧ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સે સૌથી વધુ ૨૯ રન બનાવ્યા, પરંતુ માર્કો જેન્સને ૨૧ અણનમ રનની સૌથી મહત્વની ઈનિંગ રમી આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું અને વેસ્ટ ઈન્ડિઝને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો. . વેસ્ટ ઈન્ડિઝ વતી, રોસ્ટન ચેઝે બોલ અને બેટથી બેવડું પ્રદર્શન કર્યું, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. તેણે ૫૨ રન બનાવ્યા અને ૩ વિકેટ ઝડપી દક્ષિણ આફ્રિકા ૧૦ વર્ષમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે. આ પહેલા ઈંગ્લેન્ડ અમેરિકાને હરાવીને ગ્રુપ-૨માંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી.