માટી આપણી “મા”

લેખકઃ ખ્યાતિ શાહ


‘બીજું કશું જ ન કરો, રોજ સવારે ઊઠીને ખાલી જમીન પર હાથ-પગ ફેલાવીને જમીનને છાતીએ લગાવી સૂઈ જાવ. નગ્નાવસ્થામાં સૂઈ શકો તો અતિ ઉત્તમ. જેમ આ પૃથ્વી આપણી મા હોય એમ એને વળગીને એની છાતી પર માથું મૂકી જાતને એના ભરોસે મુક્ત રીતે છોડી દો. આપણે આ પૃથ્વીનો જ અંશ છીએ એટલે માટી સાથે જાેડાતા વાર નહીં લાગે. બહુ જલ્દી આપણાં શરીરના કણે કણ અને માટીનાં કણ કણ વચ્ચે તાલમેલ બંધાઈ જશે અને થોડા જ સમયમાં આપણે અનુભવ કરીશું કે જાણે આપણે માટી જેટલા જ જીવંત થઈ ગયા. આ અનુભવ ખૂબ આહ્લાદક હોય છે.’ આ શબ્દો ‘ગીત દર્શન’માં આઠમા અધ્યાયનું વિવરણ કરતાં રજનીશજીએ માટી દ્વારા ચિકિત્સાની વાત કરતાં કહ્યું હતું.


એક જમાનો હતો જ્યારે બાળકો આંગણામાં, ખુલ્લા મેદાનોમાં કે બાગ બગીચામાં ધૂળ માટીમાં રમતાં. આ ધૂળ માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણું જ છે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. માટીમાં રમવાથી ચામડીના છિદ્રો ખુલી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે સાથે બાળક પ્રકૃતિથી નજીક આવે છે. જેનું બાળપણ પ્રકૃતિની નજીક વીત્યું હોય તેનાં આચરણમાં પ્રકૃતિ માટે પ્રેમ હોય અને એટલે જ તેવા લોકો પ્રકૃતિને હાનિ પહોંચે એવું કોઈ કૃત્ય કરવાથી દૂર રહે.


આપણું શરીર પંચ તત્ત્વોનું બનેલ છે અને એમાંનું એક તત્ત્વ એટલે માટી, જેની વિકાસનાં નામે હદ બહારની અવગણના થઈ રહી છે. પરિણામ સ્વરૂપે આજે વિશ્વમાં માટીની પૌષ્ટિક્તાનું સ્તર આપત્તિજનક રીતે ઘટી રહ્યું છે સાથે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. માટી વેરાન વાંઝણી બનતી જાય છે એનું મુખ્ય કારણ છે વધુ પડતાં રસાયણો અને કીટનાશક દવાઓનો ઉપયોગ અને વધતું જતું પ્રદૂષણ. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે જેને કારણે પૃથ્વી પર પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જાે આ પરિસ્થિતિ વધુ વણસશે તો એક સમય એવો આવશે કે પૃથ્વી પર માનવ વસવાટ માટે જમીન નહીં રહે. તેથી જ માટીને જીવિત રાખવા માટે આપણે માટીનું સ્તર સુધારવા સજાગ થવું પડશે.


માટીની પૌષ્ટિક્તા ઘટે એટલે અનાજ શાકભાજીની પૌષ્ટિક્તામાં ઘટાડો થાય જેની સીધી અસર આપણાં શરીર પર પડે. આપણામાં પોષક તત્ત્વોની ઉણપ વર્તાય અને ઇમ્યુનિટી ઘટે એટલે માંદગી વધે. માટીમાં સૂક્ષ્મ જીવો, અળસિયાઓ, પ્રાણીઓના મળમૂત્ર, સૂકાં પાંદડાં ડાળખાઓ વગેરે માટીનાં જૈવિક દ્રવ્યો જાળવવામાં મોટો ભાગ ભજવે છે. આધુનિક ખેતીના કારણે હવે જમીનમાં પ્રાણીઓના મળમૂત્ર ભળતા નથી અને વધુ પાક લેવા રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ માટીની ગુણવત્તા ઘટાડી રહ્યું છે. વૃક્ષોનું જે રીતે નિકંદન થઈ રહ્યું છે જંગલો ઘટી રહ્યાં છે તે વધુ એક ખતરાની ઘંટી છે. જ્યારે વરસાદી પાણી જમીન ઉપર પડે ત્યારે તે માટી દ્વારા ગળાઈને ભૂગર્ભમાં જમા થાય. નદીઓ કરતાં માટી લગભગ ૮૦૦% વધુ પાણી સંગ્રહ કરી શકે છે. વૃક્ષો કપાઈ જવાથી જે પાણી જમીનમાં ઉતરી જતું તે જમીન ઉપર જ વહી જાય છે જેને પરિણામે પૂરની સ્થિતિ વારંવાર આવે છે. વરસાદી પાણી પૂરતા પ્રમાણમાં જળવાતું નથી એટલે પાણીની અછતની સમસ્યા કાયમી બનતી જાય છે. વૃક્ષો ઘટવાથી એના આશ્રયમાં ઉછરતાં અનેક સૂક્ષ્મ જીવજંતુઓ અને પક્ષીઓમાં પણ ઘટાડો થાય છે. જેની સીધી અસર માટી પર પડે છે.


ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોની વાત યાદ છે? પર્વતો કોતરીને બનાવાતા રસ્તાઓ અંતે પ્રકૃતિ પર થતો અત્યાચાર છે. જંગલમાં વૃક્ષો કાપીને વધતાં જતાં રિસોર્ટ્‌સ અને માનવ વસાહત એ પ્રાકૃતિક અસંતુલન ઊભું કરે છે. ભૂસ્ખલન, પૂર, દુષ્કાળ જેવી કુદરતી આફતો વધવાનાં કારણનાં મૂળમાં ક્યાંક માનવ જાતની વિકાસનાં નામે આદરેલી આંધળી દોડ છે.


હવે ફરી માટીના વાસણોમાં રાંધવોનો ટ્રેન્ડ શરૂ થયો છે એનું કારણ એ કે માટીનાં વાસણમાં ભોજન બનવવાથી માટીમાં રહેલાં ફૉસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં ખનીજાે શરીરમાં પહોંચે છે જે બીજી ધાતુના વાસણોમાં રાંધવાથી મળતાં નથી. માટીમાં બનાવેલ ખોરાક સુપાચ્ય હોય છે અને ગેસ અપચો જેવી સમસ્યામાં રાહત આપે છે.


આ માટી આપણી મા છે. એનો તો ગુણ જ શીત છે. ધરતી જ આપણને ખોરાક, આશ્રય, વસ્ત્ર ને દવા પૂરા પાડે છે. ગાંધીજી માટીની ચિકિત્સામાં બહુ વિશ્વાસ રાખતા. માથું દુખતું હોય તો માથે માટી પટ્ટી બાંધવાથી ફાયદો થાય. તાવમાં પેડુ પર માટી પટ્ટી મૂકી દેવી. ભમરી કે વીંછી કરડે ત્યારે પણ માટીથી ઉપચાર કરવો. શરીર પર ગુમડાં ખીલ થાય ત્યારે પણ માટીથી રાહત થાય. એમ કહેવાય કે માટી જે અંગ પર મૂકવામાં આવે તેનું તે અંદરથી શુધ્ધિકરણ કરે, ગરમી શોષી લે. અમેરિકાની એરિઝોન સ્ટેટ યુનિવર્સિટીનાં સંશોધકો કહે છે કે માટીમાં ઘણા પ્રકારના તત્ત્વો રહેલાં છે જે શરીરના ઘા રૂઝવવામાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution