વડોદરા-
વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે પિસ્તોલ અને ૨૫ જીવતા કારતૂસ સાથે એક યુવાનની શહેર એસઓજીએ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવાન પિસ્તોલ અને કારતૂસ વેચવા માટે ફરી રહ્યો હતો, પરંતુ, તે પિસ્તોલ અને કારતૂસ વેચવામાં સફળ થાય તે પહેલાં પોલીસે દબોચી લીધો હતો.
વડોદરા શહેર એસઓજીને બાતમી મળી હતી કે, વાઘોડિયા ચોકડી પાસે સનમીલીન કોમ્પલેક્ષ પાસે બાઇક સાથે ઉભેલો અશોક ચોખેલાલ શર્મા પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અશોકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં તેના કમરના ભાગેથી પિસ્તોલ અને ખિસ્સામાંથી જીવતા ૨૫ કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૨૦ હજારની કિંમત ધરાવતી પિસ્તોલ, રૂપિયા ૨૫૦૦ની કિંમતના ૨૫ નંગ કારતૂસ, મોબાઇલ ફોન તથા બાઇક સહિત ૭૭,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાણીગેટ પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેણે આ પિસ્તોલ અને કારતૂસ અઢી વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી ૨૦ હજાર રૂપિયામાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી.